Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

શબવાહીનીઓ ખૂટીઃ એક વાહનમાં ૮-૮ મૃતદેહોને સ્મશાન લઈ જવા પડયા

સુરતમાં કોરોનાની સાચી સ્થિતિ હદ બહાર વણસી ગઈ છેઃ હોસ્પિટલો અને સ્મશાનમાં લાઈન અંગે તો અહેવાલ આવ્યા હતા પરંતુ હવે તો શબવાહીનીઓ પણ ખૂટી રહી છે : એક ફેરામાં વધુ મૃતદેહો લઈ જવા માટે મજબૂર છીએઃ શબવાહીની સ્ટાફ આવી કોઈ ઘટના ધ્યાનમાં જ નથી આવીઃ સુરત મ્યુનિ. ડે. કમિશનર

સુરત, તા.૧૩: કોરોનાના વધતા કહેર વચ્ચે સુરત શહેરમાં આરોગ્ય વ્યવસ્થા કથળી રહી છે. શહેરમાં કોરોનાની સારવાર માટે જરુરી દવાઓની અછત, ઓકિસજન સિલિન્ડરની અછત, હોસ્પિટલમાં બેડની અછત, વેન્ટિલેટર્સની અછત તેમજ દર્દીઓને લઈ રસ્તા પર દોડતી રહેતી ૧૦૮ના સતત સાયરનના અવાજ વચ્ચે વધુ એક અછતના સમાચાર આવ્યા છે જેણે સાંભળીને દરેકની આંખમાં પાણી આવી જાય. અછતો વચ્ચે દ્યેરાયેલો સામાન્ય માણસ કોરોનાથી મોત તો મેળવે છે પરુંત તેની આ લાચારીનો અંત મર્યા પછી પણ નથી આવતો.

સુરતમાં કોરોના કહેર વચ્ચે મૃત્યુ આંકમાં મોટા ઉછાળા સાથે હવે શબવાહીનીઓની પણ અછત વર્તાઈ રહી છે. દુનિયામાં પોતાના હીરાની ચમકથી ચમકતા સુરત શહેરની આનાથી વધુ કાળી બાજુ કોઈ નહીં હોય જયાં મૃતદેહોને સમય રહેતા સ્મશાન પહોંચાડવા માટે શબવાહીનીમાં એકની જગ્યાએ ખડકલો કરીને પાર્થિવ દેહો લઈ જવા પડી રહ્યા છે.

સરકારી અને એનજીઓ સંસ્થાની શબવાહીનીઓ તો શહેરની જુદી જુદી હોસ્પિટલોમાંથી મૃતદેહો લઈ જવામાંથી જ નવરી નથી પડતી તેવામાં દ્યરે મૃત્યુ પામતા લોકોને પ્રાઈવેટ વાહનમાં જ સ્મશાનગૃહ લઈ જવા પડી રહ્યા છે. પહેલા તો કોઈ મૃત્યુ પામે એટલે ફોન કરીને શબવાહીની બોલાવી લેવામાં આવતી હતી પરંતુ હવે તો ચોવિસે કલાક શહેરની તમામ શબવાહીનીઓ હોસ્પિટલથી સ્મશાનના ફેરા કરવામાં જ વ્યસ્ત રહે છે. જે દર્શાવે છે કે સરકાર ભલે સબ સલામતની બાંગ પોકારે પરંતુ સુરત શહેરમાં પરિસ્થિતિ કેટલી હાથ બહાર ચાલી ગઈ છે.

ખરું કરુણ દ્રશ્ય તો ત્યારે જોવા મળ્યું જયારે સુરતના કુરુક્ષેત્ર સ્મશાનગૃહમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની શબવાહીની એક સાથે ૮ મૃતદેહોને લઈને પહોંચી. જોકે અહીં આવીને પણ આ ૮ નશ્વર શરીરને પંચતત્વમાં વિલિન થવા માટે આશરે ૧ કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી. કારણ કે સ્મશાનની ગેસ ભઠ્ઠી તો પહેલાથી જ આવેલા કોરોના મૃતકોના શરીરને દાહ આપવામાં વ્યસ્ત હતી.

પહેલા આ શબવાહીનીમાં મૃતદેહને રાખવા માટે એક સ્ટ્રેચર જેવું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું અને તેની બાજુમાં પરિવારજનોને બેસવા માટે બેઠકો પણ બનાવાઈ હતી. જોકે હવે આ બંને વસ્તુ વાહનમાંથી કાઢી નાખવામાં આવી છે અને વાહનના ફ્લોર પર જ મૃતદેહોન એકની બાજુમાં એક એમ ગોઠવીને એક જ ફેરમાં શકય તેટલા વધારે મૃતદેહો આ શબવાહીનીઓ લઈને આવી જઈ રહી છે.

શબવાહીનીના સ્ટાફે વાત કરતા જણાવ્યું કે, 'અમે તો ફકત આદેશનું પાલન કરી રહ્યા છીએ. આમ પણ દરરોજ એટલા બધા લોકોના મોત થઈ રહ્યા છે કે અમારા માટે દરેક ખેપમાં એકથી વધુ મૃતદેહો લઈ આવવાની ફરજ પડી રહી છે.' તો બીજી તરફ મૃતકોના પરિવારને એ સમજાવવામાં શબવાહીનીના સ્ટાફને નાકે દમ આવી રહ્યો છે કે એક વારમાં એક જ વ્યકિતના મૃતદેહને લઈ જવાથી હોસ્પિટલમાં મૃતદેહોની સંખ્યા ખૂબ જ વધી જશે અને તેના કારણે અફરાતફરી મચી શકે છે. કારણ કે છેલ્લા થોડા દિવસોમાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો થયો છે.

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા મેહુલ સુરતીએ જણાવ્યું કે,  'આન્ટીને છેલ્લા ૫ દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની તબિયત વધારે બગડતી જ રહી. અંતે તેઓનું અવસાન થયું તે પછી તેમના દેહને શબવાહીનીમાં બીજા ૬ મૃતદેહોની સાથે લાવવામાં આવ્યો. તેઓ જેટલી બની શકે તેટલો મોતનો મલાજો રાખીને મૃતદેહોને લાવી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ જ એટલી ખરાબ છે કે તેમના હાથની પણ વાત નથી.

જયારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડે. કમિશનર એન.વી. ઉપાધ્યાયનું કહેવું છે કે 'મારા ધ્યાનમાં એવી કોઈ બાબત આવી જ નથી કે શબવાહીનીમાં એકથી વધુ મૃતદેહોને લઈ જવામાં આવી રહ્યા છે. હું તપાસ કરીશ અને જો આવું હશે તો તે સમસ્યાને તાત્કાલિક ધોરણે ઉકેલવામાં આવશે.'

શબવાહીની જ નહીં સ્મશાનમાં પણ આવી જ હાલત છે. એક તરફથી હોસ્પિટલમાંથી કોરોના દર્દીઓના મૃતદેહ ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા છે તો બીજી તરફ ઘરમાં જ મૃત્યુ પામતા અન્ય લોકોના મૃતદેહો આવવાની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના કારણે સ્મશાનમાં લાંબુ વેઇટિંગ છે.

(3:52 pm IST)
  • પોરબંદર સુભાષનગર પોલીસ ચોકી પાછળ લાંગરેલા પાકિસ્તાની બોટમાં આગ લાગી કોઈ જાનહાનિ કે નુકસાન નથી access_time 11:53 pm IST

  • બીજેપીના રાહુલ સિંહા ઉપર ચૂંટણી પંચનું કડક પગલું : ચૂંટણી પ્રચાર કરવા ઉપર 48 કલાકનો પ્રતિબંધ : પશ્ચિમ બંગાળ ધારાસભાની ચૂંટણી દરમિયાન કૂચબિહારમાં 4 ને બદલે 8 લોકો મરવા જોઈતા હતા તેવું નિવેધન કર્યું હતું access_time 12:32 pm IST

  • આજે શેરબજાર ગ્રીન ઝોનમાં ર-૧પ કલાકે સેન્સેકસ ૩૮૧ પોઇન્ટ વધીને ૪૮ર૬૪: નીફટી ૧૦૬ પોઇન્ટ વધીને ૧૪૪૧૭ ઉપર છેઃ બેંક-ઓટો સેકટરના શેર્સ અપઃ આઇટીમાં ભારે વેચવાલી access_time 3:38 pm IST