Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

આણંદમાં ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને 1 વર્ષની કેદની સજાની સુનવણી કરી

આણંદ: શહેરની કોર્ટે ૧૦ લાખના એક ચેક રીર્ટન કેસમાં કરમસદના વેપારીને તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની ૧૦ લાખની રકમ ચેક રીટર્ન થયા તારીખથી વાર્ષિક ૯ ટકાના સાદા વ્યાજ સાથે ચૂકવી આપવા પણ હુકમ કર્યો હતો, જો ના ચૂકવે તો વધુ છ માસની કેદની સજા ફટકારી હતી. 

આ અંગેની મળતી વિગતો અનુસાર જીઆઈડીસીમાં રહેતા મોમાઈ ટ્રેડીંગના માલિક નાગજીભાઈ કાશીભાઈ ભરવાડ પાસેથી ઈન્ડિયન સેલ્સ એજન્સીના માલિક હિમાંશુભાઈ મહેન્દ્રભાઈ દેસાઈએ ધંધાકીય કામ માટે ટુકડે-ટુકડે થઈને કુલ ૧૦ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જે રકમ જાન્યુઆરી-૨૦૧૮થી સતત પરત આપવાની માંગણી કરતાં ૧૫-૫-૧૮ના રોજનો દશ લાખનો ચેક લખી આપ્યો હતો. જે ચેક ખાતામાં ભરતાં અપુરતા ફંડના કારણે પરત ફર્યો હતો જેથી કાયદાકી પ્રક્રિયા હાથ ધર્યા બાદ આણંદની કોર્ટમાં નેગોશ્યેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ આણંદના પાંચમા એડી. ચિફ જ્યુ. મેજિ.ની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં ફરિયાદ પક્ષના વકિલની દલિલો તેમજ તેમણે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશ વી. બી. બારોટે ઈન્ડિયન સેલ્સ એજન્સી અને તેના માલિક હિમાંશુભાઈ મહેન્દ્રભાઈ દેસાઈને તકશીરવાર ઠેરવીને ૧ વર્ષની સાદી કેદની સજા અને કુલ ૧૦ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા તેમજ ચેકની ૧૦ લાખની રકમ ચેક રીટર્નની તારીખથી ૯ ટકાના સાદા વ્યાજ સાથે તેમજ ખર્ચના પાંચ હજાર ચૂકવી આપવાનો પણ હુકમ કર્યો હતો.

(6:25 pm IST)