Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

બ્રિટાનીયા કંપનીના બિસ્કીટના નામે બનાવટઃ ફેકટરી ધમધમતી'તીઃ ૧ કરોડનો મુદ્દામાલ કબ્જે કરતી સીઆઈડી

શૂઝ, જીન્સ, ટી-શર્ટ અને ઘડીયાળોના પગલે પગલે હવે બાળકોના ખાદ્ય પદાર્થ એવી બ્રાન્ડેડ કંપનીની બિસ્કીટોની પણ ડુપ્લીકેટનું વેચાણઃ સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં અમદાવાદમાં દરોડોઃ ફેકટરી માલિક અજીતભાઈ મેતા ફરાર

રાજકોટ, તા. ૧૩ :. દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાને વાલા ચાહીએ.. એ કહેવત જાણે ચરિતાર્થ થતી હોય તેમ ડુપ્લીકેટ શૂઝ, જીન્સ, બ્રાન્ડેડ કંપનીની વોચ, ટી-શર્ટ વગેરે તો ડુપ્લીકેટ માલ બજારમાં આસાનીથી મળતો હતો પરંતુ હવે કોઈપણ રીતે રૂપિયા કમાવવાની લાલચમાં હવે ડુપ્લીકેટ માલ વેચતા લોકોએ ખાદ્યપદાર્થ અને ખાસ કરીને બાળકોને પ્રિય એવી બિસ્કીટ સાથે પણ બનાવટ શરૂ કર્યાની માહિતી રાજ્યના સીઆઈડી વડા આશિષ ભાટીયાને મળતા તેઓએ અમદાવાદમાં એક ફેકટરી પર દરોડો પડાવી બ્રિટાનીયા કંપનીના નામનો ટ્રીટના લોગાનો ઉપયોગ કરી વેફર બિસ્કીટ બનાવવાના ધમધમતા કારોબાર પર સીઆઈડી ટીમ દ્વારા રેડ કરાવી અંદાજે ૧ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સીઆઈડી વડા આશિષ ભાટીયાને મળેલી બાતમી આધારે તેઓએ સીઆઈડી ક્રાઈમના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંઘ તથા અધિક્ષક વિરેન્દ્ર યાદવના માર્ગદર્શન હેઠળની આ ટીમે તમામ ખરાઈ કર્યા બાદ અમદાવાદના ઓઢવ કઠવાળા જીઆઈડીસી રોડ નં. ૨, પ્લોટ નં. ૨૩૧ ખાતે આવેલ કેમ્સ ફુડસ પ્રા.લી. નામની ફેકટરીમાં રેડ કરી હતી.

સીઆઈડી ટીમની તપાસમાં બ્રિટાનીયા કંપનીના રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક લોગોની ટ્રીટનો બનાવટ કરી તેવા જ લોગાનો ઉપયોગ કરી તેવા નામે છાપેલ પ્લાસ્ટિકના રેપર (પેકીંગ)માં વેફર બિસ્કીટ પેક કરી તેનુ પેકેજીંગ થતુ હોવાનું સ્થળ પર જ નજરે ચડી ગયુ હતું.

સીઆઈડી ટીમની વિશેષ તપાસમાં સ્થળ પર 'ટ્રીટ' લખેલા સ્ટીકર, ચોકલેટ પેકીંગ બોકસ તથા નાના મોટા સ્ટીકર રોલ, પેક કરેલ ચોકલેટ બોકસ અને આ તમામ પ્રોડકટ તથા પેકેજીંગ કરવા માટે ઉપયોગમા લેવાતી અલગ અલગ પ્રકારની મશીનરી મળી કુલ રૂ. ૧ કરોડનો મુદ્દામાલ મળ્યાનું સીઆઈડી વર્તુળો જણાવે છે. સીઆઈડી વર્તુળોના કથન મુજબ આ ફેકટરીના કહેવાતા માલિક અજીતભાઈ જામનદાસ મેતા (રહે. સેટેલાઈટ અમદાવાદ) મળી ન આવતા તેમની ધરપકડ કરવા અંગે તજવીજ ચાલુ કરી અમદાવાદ શહેર નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવી વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)