Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

અમદાવાદમાં ૬ બિલાડી, ૭ શ્વાન, અેક બકરા સાથે ફરવા આવેલ અમેરિકન મહિલા હોટલવાળા માટે માથાનો દુઃખાવો

 અમદાવાદઃ અમદાવાદ શહેરમાં એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે. અમેરિકાની એક મહિલા તેના 14 પાલતુ પ્રાણીઓ સાથે ગુજરાતમાં ફરવા આવી છે. તે અમદાવાદની એક હોટલમાં રોકાઈ છે. હવે મહિલા અને તેના પાલતુ પ્રાણીઓ હોટલ માલિક માટે એક નવી મુસિબત બની ગયા છે.

અમેરિકાનની 58 વર્ષની નોરેન ફ્લાવર નામની મહિલા ગુજરાત ફરવા આવી છે. તે પોતાની સાથે 6 બિલાડી, 7 કૂતરા અને 1 બકરો લઈને આવી છે. બકરાને તેણે હોટલના પાર્કિંગમાં બાંધ્યો છે અને અહીં તેને ચારો-ખાવાનું આપે છે. કુતરા અને બિલાડીઓને પણ તે પોતાની સાથે રૂમમાં રાખે છે.

મહિલા અમદાવાદના શાહઆલમમાં આવેલી હોટલ સિલ્વર સ્પ્રિંગમાં રોકાઈ છે. અમેરિકન મહિલાની સાથે રહેલા પ્રાણીઓને કારણે હોટલના માલિક માટે નવી મુસિબત પેદા થઈ ગઈ છે. મહિલાના પાલતુ પ્રાણીઓના કારણે હોટલમાં રહેતા અન્ય ગ્રાહકો તેનો વિરોધ કરી રહ્યા છે. હોટલ માલિકે જ્યારે મહિલાને બાબતે જણાવ્યું તો તેણે હોટલ છોડવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. મહિલાએ કહ્યું કે, પ્રાણીઓ મારો પરિવાર છે અને હું તેમને મારી સાથે રાખીશ.

હોટલ માલિકે આ બાબતે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો, પરંતુ પોલીસ પણ દ્વિધામાં મુકાઈ ગઈ છે. કારણ કે, પાલતુ પ્રાણીઓ સાથે રાખવાનો દરેકને અધિકાર હોય છે. જોકે, મહિલાના આ શોખને કારણે હોટલ માલિકને નુકસાન થઈ રહ્યું છે. હોટલમાં રોકાવા આવેલા ગ્રાહકો હવે મહિલાના પાલતુ પ્રાણીઓને કારણે હોટલમાંથી ચેકઆઉટ કરીને બીજી હોટલમાં રોકાવા જઈ રહ્યા છે.

(5:24 pm IST)