Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

દરિયાઈ મત્સ્ય ઉત્પાદનને લઇ રાજ્ય સરકાર કટિબદ્ધ : ફળદુ

મત્સ્ય ઉત્પાદન ૬.૯૯ લાખ મેટ્રિક ટન સુધી ગયું :નિકાસથી ૩૬૫૩ કરોડની વિદેશી હુંડિયામણ મળી છે

અમદાવાદ,તા. ૧૩ : કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી આરસી ફળદુએ જણાવ્યું છે કે, મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટે રાજ્ય રકાર પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારની હકારાત્મક નીતિ અને વિવિધ યોજનાઓના કારણે રાજ્યનું દરિયાઈ મત્સ્ય ઉત્પાદન આજે ૬.૯૯ લાખ મેટ્રિક ટન થયું છે. રાજ્યના મત્સ્ય ઉત્પાદનની વિદેશ નિકાસ થકી રૂપિયા ૩૬૫૩.૦૩ કરોડનું વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થયું છે. આજે વિધાનસભા ખાતે મત્સ્યોદ્યોગ વિભાગની રૂપિયા ૬૦૯ કરોડની માંગણીઓ રજૂ કરતા મંત્રી ફળદુએ ઉમેર્યું હતું કે, મત્સ્યોદ્યોગના વિકાસ માટે માછીમારોને મદદરુપ થવા હાઇસ્પીડ ડિઝલ ઓઇલ પરની વેટ-વેચાણવેરા માફી યોજના માટે રૂપિયા ૧૨૦ કરોડની જોગવાઈ કરી છે તેમજ નાની ઓબીએમ બોટ ધારકોને પ્રતિમાસ ૧૫૦ લીટરની મર્યાદામાં રૂપિયા ૨૫ લેખે કેરોસીન પર સહાય ચુકવવા માટે રૂપિયા ૨૨ કરોડની જોગવાઈ કરી છે. સાથે સાથે હોડીઓ લાંગરવા અને ઉતરાણની ક્ષમતા વધારવા અને યુરોપિયન યુનિયનના ધારા ધોરણો મુજબ માંગરોળ, નવા ંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર અને સુત્રાપાડા મત્સ્ય બંદરોના વિકાસ માટે શરૂઆતની જોગવાઈ માટે રૂપિયા ૨૧૦ લાખ ફાળવાયા છે. તેમણે ઉમેર્યું હતું કે, માછીમારોને પ્રોત્સાહિત કરવા માટે નવા મત્સ્ય તળાવોના બાંધકામ ઉપર સહાય આપવા રૂપિયા ૨૮૦ લાખ, મત્સ્યોદ્યોગના વિકાસ માટે વિવિધ ઇનપુટ પર સહાય આપવા રૂપિયા ૧૨૦ લાખ, ગામ તળાવોના સુધારા વધારા કરવા રૂપિયા ૧૦૦ લાખ, દરિયાઈ ફીશીંગ બોટોમાં એન્જિનના રિપ્લેસમેન્ટ માટે નવા એન્જિન ખરીદવા ૧૦૦૦ લાખ, પ્રાદેશિક વિસ્તારોમાં થતાં મત્સ્ય પકડાશને વેગ આપવા બોટોના બાંધકામ માટે રૂપિયા ૫૦૦૦૦ લાખ, મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે ૧૩૨ લાખ ફાળવાયા છે.

(10:55 pm IST)