Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સારા પુસ્તકો સમાજ જીવનમાં માર્ગદર્શક બને છે : રાજ્યપાલ

ગાંધીનગરમાં મોદીના પુસ્તકનું વિમોચન : ચરિત્ર નિર્માણ વ્યક્તિ વિકાસની સાચી પરિભાષા : કોહલી

અમદાવાદ,તા. ૧૩ : ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ રાજભવન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત એક્ઝામ વોરિયર્સ પુસ્તકોના ગુજરાતી સંસ્કરણોનું વિમોચન કર્યું હતું. તેમણે વડાપ્રધાનને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચિંતન શિબિરના અભિનવ પ્રોયગમાં આપેલા વક્તવ્યોના સંકલન ચિંતન શિબિરનું પણ લોકાર્પણ આ અવસરે કર્યું હતું. રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું હતું કે, આ ત્રણેય પુસ્તકો સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવનાર પુસ્તકો છે. વિશેષરૂપી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થશે. સારા પુસ્તકો હંમેશા સમાજ જીવનમાં માર્ગદર્શક બને છે અને વ્યક્તિગત જીવમાં પણ આચાર-વિચાર ઉપર પણ ઉંડો પ્રભાવ ઉભો કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ચરિત્ર નિર્માણ વ્યક્તિ વિકાસની સાચી પરિભાષા છે જે આ પુસ્તકો થકી પ્રતિબંબિત થાય છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખિત એક્ઝામ વોરિયર્સ ગુજરાતી સંસ્કરણ વિદ્યાર્થીઓને પરીક્ષાના ભયથી મુક્ત બનાવવા માટેનો અકસીર મંત્ર છે. પ્રત્યેક વિદ્યાર્થીઓને પરીક્ષાને ખેલ ભાવનાથી સ્વીકારવાની શીખ આપે છે. આ પુસ્તક ભયને દૂર કરવા અને આત્મવિશ્વાસ વધારવા માટે પ્રેરિત કરે છે. રાજ્યપાલે મન કી બાત પુસ્તક વિષે જણાવ્યું હતું કે, વડાપ્રધાને મન કી બાત રેડિયો કાર્યક્રમના માદ્યમથી દેશના લોકો સાથે અને ખાસ કરીને યુવાનો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કર્યો છે. આ કાર્યક્રમથી તેમણે સમાજ શ્રેયના તથા રાષ્ટ્રની ઉન્નતિના તેમના મનનીય વિચારો વ્યક્ત કર્યા છે. જે જનજાગૃતિની સાથે સાતે સમાજોન્નતિની સૌને પ્રેરણા પુરી પાડી છે. ઓપી કોહલીએ જણાવ્યું હતું કે, ચિંતન શિબિરની વિભાવના પ્રશાસક અધિકારીઓ અને રાજનીતિજ્ઞની સાથે સીધો સંવાદ રચવાની અને રાજ્યના વિકાસ માટે જે શ્રેષ્ઠ છે તે અંગે નવા વિચારોનું મંથન કરવાની છે. આ ચિંતન શિબિરોમાં વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપેલા પ્રવચનોમાં વિકાસના મૌલિક માર્ગો તલાશવામાં આવ્યા છે અને નવા નવા કાર્યક્રમો-યોજનાઓ આકાર પામી છે જે દ્વારા રાજ્યના વિકાસમાં સિદ્ધિઓ હાસલ કરાઈ છે.

(10:55 pm IST)