Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

બાકરોલ પાંજરાપોળ સ્થિતિને લઇ સત્તાધીશોને કોર્ટે ઝાટકયા

ઇન્સ્પેકશન કરી ૨૧મી સુધી રિપોર્ટ રજૂ કરવા હુકમ :જમીન ફાળવ્યા બાદ પાંજરાપોળમાં યોગ્ય સુવિધા નહી હોવા અને પશુની સારવારમાં નિષ્ક્રિયતાના મામલે ટીકા

અમદાવાદ,તા. ૧૩ : અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકામાં બાકરોલ પાંજરાપોળમાં રખડતા ઢોર માટે યોગ્ય સુવિધા નહી હોવા બાબતે તેમ જ પાંજરાપોળમાં લવાતા પશુઓની સારવાર અંગે તંત્રની નિષ્ક્રિયતાને લઇ ગુજરાત હાઇકોર્ટે અમ્યુકો તંત્ર અને વહીવટી તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે આ કેસમાં સરકારના સંલગ્ન વિભાગના સત્તાવાળાઓને પાંજરાપોળમાં ઇન્સ્પેકશન કરવા અન ઇન્સ્પેકશન વખતે અરજદારના વકીલને પણ હાજર રાખવા નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે આ સમગ્ર મામલે તા.૨૧મી માર્ચ સુધીમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા પણ સંબંધિત સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકામાં બાકરોલ પાંજરાપોળ માટે રાજય સરકાર દ્વારા જમીન ફાળવણી કરાયા બાદ પણ રખડતા ઢોર માટે પાંજરાપોળની જોઇએ તેવી યોગ્ય સુવિધા નહી હોવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી થઇ હતી. જેની સુનાવણી દરમ્યાન આજે કોર્ટના ધ્યાન પર એ હકીકત આવી હતી કે, સરકારે જગ્યા ફાળવ્યા બાદ પણ પાંજરાપોળને યોગ્ય રીતે ચલાવવામાં આવતી નથી અને પાંજરાપોળમાં લવાતા પશુઓની સારવાર અંગે પણ કોઇ પૂરતી દરકાર કે કાળજી રાખવામાં આવતી નથી. આ બાબતને લઇ હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી અને અમ્યુકો સહિતના સંબંધિત સત્તાવાળાઓની ઝાટકણી કાઢી હતી. પશુઓની સારવારમાં નિષ્ક્રિયતાને લઇ હાઇકોર્ટે સત્તાવાળાઓની આકરી ટીકા કરી હતી. હાઇકોર્ટે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં લઇને પાંજરાપોળમાં ઇન્સ્પેકશન કરવા અન ઇન્સ્પેકશન વખતે અરજદારના વકીલને પણ હાજર રાખવા નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે આ સમગ્ર મામલે તા.૨૧મી માર્ચ સુધીમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા પણ સંબંધિત સત્તાવાળાઓને હુકમ કર્યો હતો.

(10:53 pm IST)