Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

હૈ રામ,,,બોરસદની નાપાની ધર્મશાળાના પ્રવેશદ્વારે 'બાપુ'ની તકતી ગાયબ

ધર્મશાળામાં તા. ૧૪ માર્ચ,૧૯૩૦ના રોજ પૂ. ગાંધીજી સહિત તેમના ૭૮ પદયાત્રી સાથીદારોએ રોકાણ કર્યુ હતું

અમદાવાદ ;રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નામને વટાવવાનો એકપણ તક નહીં ચુકતા રાજકારણીઓ સમય જતા બાપુને ભૂલી જતા હોય છે ત્યારે બાપુ સાથે જોડાયેલ સંસ્મરણો પણ વિસરી જવાનો કિસ્સો બહાર આવ્યો છે ૮૮ વર્ષ અગાઉ તા. ૧ર માર્ચ, ૧૯૩૦ના રોજ મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા યોજી હતી.આ ઐતહાસિક દાંડી યાત્રા સાથે આણંદ જિલ્લાના ગામોના સંસ્મરણો જોડાયેલા છે. જેમાં બોરસદ તાલુકાના નાપા ગામની ધર્મશાળામાં પૂ.બાપુ સહિત ૭૮ પદયાત્રીઓએ રાતવાસો કર્યો હતો.ધર્મશાળામાં તા. ૧૪ માર્ચ,૧૯૩૦ના રોજ પૂ. ગાંધીજી સહિત તેમના ૭૮ પદયાત્રી સાથીદારોએ રોકાણ કર્યુ હતું.અને મીઠાના વિરોધમાં નાનકડી સભા યોજવામાં આવી હતી ઐતિહાસિક યાદગીરીના સંભારણારૂપે ધર્મશાળાના પ્રવેશદ્વારે બાપુના નામની તકતી મૂકવામાં આવી હતી. તે તકતી આજે ગાયબ હોવાનું જોવા મળી રહ્યું છે. 

   નાપાના સ્થાનિક વડીલે જણાવ્યું હતું કે, ગામની ધર્મશાળામાં પૂ.બાપુ અને તેમના સાથીદારોએ સભા યોજી હતી અને રાતવાસો કર્યો હતો. તે સમયે ગામના એક વાળંદભાઇએ પૂ.બાપુની દાઢી બનાવી હતી. બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી સહિતના પદયાત્રીઓએ આગળની કૂચ આરંભી હતી. આ યાદગીરીરૂપે ધર્મશાળાના પ્રવેશદ્વારે પૂ. બાપુના નામ સાથેની તકતી મૂકવામાં આવી હતી. પરંતુ આ તકતી ગાયબ થઇ જવા સાથે આ સ્થળે દબાણ ખડકી દેવાયું છે. ઉપરાંત આજુબાજુમાં બાંધકામો ઉભા કરી દેવાયા હોવાથી દાંડીકૂચની ઐતિહાસિક ઘટનાનું સંભારણું નામશેષ બની રહ્યું હોવાનો વસવસો વ્યકત કર્યો હતો.

  દાંડીકૂચ અંગે નાપાના બળદેવભાઇ સોલંકીએ પોતાના વડીલો પાસેથી જાણેલી સ્મૃતિઓ વાગોળી હતી અને કહ્યું હતું કે, નાપાની નવી પેઢીના બાળકો માટે ગાંધીજી અહીંયાની ધર્મશાળામાં રાતવાસો કર્યાની બાબત સ્મૃતિરૂપે જળવાઇ રહી હોત પરંતુ તે યાદગીરીને ભૂંસી નાંખવાની ઘટના બાબતે જે-તે સમયે ઉચ્ચકક્ષાએ કોઇ રજૂઆત કરવામાં આવી ન હોવાનું ની દુ:ખમિશ્રિત લાગણી વ્યકત કરી હતી.

  દાંડીયાત્રાની સ્મૃતિરૂપ તકતી અંગે નાપા તળપદ ગ્રા.પં.ના મહિલા સરપંચ દ્વારા કોઇ પ્રત્યુતર ન મળતા આ અંગે તલાટી રાજુભાઇ બારોટ સાથે પૃચ્છા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ ઘટના મારા કાર્યકાળ પૂર્વની છે. જો કે વર્ષ ર૦૧પમાં સ્થાનિક અગ્રણીઓ દ્વારા નિર્ણય લેવાયો હોવાનું જણાવતા ઐતિહાસિક તકતી અંગે પોતે સાવ અજાણ હોવાનું રાજુભાઇએ જણાવ્યું હતું.

દાંડીયાત્રાના સ્મરણોને વાગોળતા ગામના પૂર્વ સરપંચ સફીભાઇ કાજીએ જણાવ્યું હતું કે, દાંડીયાત્રા સાથે સંકળાયેલ સ્મૃતિને ત્રણેક વર્ષ અગાઉ નામશેષ કરવામાં આવી છે. આ મામલે તંત્રએ કોઇ પગલાં લીધા ન હતા. વધુમાં ધર્મશાળા અને સ્મૃતિ ચિન્હથી ગ્રામ પંચાયત કચેરી માત્ર ર૦૦ મીટર દૂર છે. છતાંયે આ ગંભીર બાબતે તંત્રનું ધ્યાન કેમ ન ગયાનું આશ્ચર્ય સફીભાઇએ વ્યકત કર્યુ હતું.

પૂ.ગાંધીજીએ ખેડેલ ઐતિહાસિક દાંડીયાત્રાના રૂટને કેન્દ્ર સરકાર દ્વારા હેરિટેજનો દરજજો આપીને દાંડીપથ નામ આપવામાં આવ્યું હતું. દાંડીયાત્રાના માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં નાપા વિસ્તારમાં એકસો ઉપરાંત વૃક્ષોનું છેદન કરાયું હતું પરંતુ તેની જગ્યાએ એકપણ નવું વૃક્ષ તંત્ર દ્વારા ઉછેરવામાં ન આવ્યાનું જોવા મળી રહ્યું છે.નાપાથી દેદરડા તરફના દાંડી માર્ગ કચરો અને ઉકરડાનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. દાંડી પથ પર માંડ એકાદ બોર્ડ દાંડીયાત્રાનું સાક્ષી બની રહ્યું છે. જયારે આ માર્ગ પરના દિશાસૂચક બોર્ડ ગાયબ હોવાનું નજરે પડે છે. ઉપરાંત દાંડી માર્ગ પર જૂજ વૃક્ષો ઇતિહાસના સાક્ષી બની રહ્યા છે, જે પૈકી ઘણાખરા વૃક્ષો સૂકાઇ જઇને પડી જવાની સ્થિતિમાં નજરે પડે છે.

(10:42 pm IST)
  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 4:26 pm IST

  • ગુજરાતના પૂર્વ પોલીસ ઓફિસર ડી.જી. વણઝારાએ ઈસરત જહાં એન્કાઉન્ટર કેસમાં ડીસ્ચાર્જની માંગણી કરીઃ આરોપો ઉભા કરાયેલા છેઃ મોદીની પણ સીબીઆઈ એ પૂછપરછ કરી હતી : ઈસરત જહાં કેસમાં ડીસ્ચાર્જ માગતા વણઝારાઃ પીએમનો ઉલ્લેખ access_time 11:21 am IST

  • સીરિયામાં સતત હવાઈ હુમલા અંગ અમેરીકાએ બોલાવી તાકિદની બેઠક : અમેરીકી અધિકારીઓએ જણાવ્યું કે, સતત હવાઈ હુમલાના અહેવાલો સાચા સાબીત થશે તો સીરિયા દ્વારા યુદ્ધ વિરામનો ભંગ ગણવામાં આવશે : તેઓએ વધુમાં જણાવ્યું કે, અમે બધા પક્ષોને આગ્રહ કર્યો છે કે તે કોઈ એવી કાર્યવાહિ ન કરે, જેનાથી યુદ્ધ વિરામની સ્થિતી જોખમાય, આ સ્થિતીની સમીક્ષા કરવા અને યુદ્ધ વિરામની સ્થિતી જળવાઈ રહે તે માટે અમે (અમેરીકાએ) જોર્ડનમાં એક તાકિદની બેઠક બોલાવી છે access_time 12:53 pm IST