Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ધોરણ ૧૦ બોર્ડ પરીક્ષામાં કાલે વિજ્ઞાનનું પેપર રહેશે

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કેમેસ્ટ્રીનું પેપર રહેશે : એક દિવસના વિરામ બાદ ધોરણ ૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ વધુ તૈયારી સાથે મુખ્ય પેપર આપશે

અમદાવાદ,તા. ૧૩ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી બોર્ડની પરીક્ષામાં એક દિવસના વિરામ બાદ આવતીકાલે મહત્વના વિષયની પરીક્ષા લેવામાં આવનાર છે જેથી વિદ્યાર્થીઓ ખુબ જ સાવધાન અને સજ્જ થયેલા છે. એક દિવસની રજા મળ્યા બાદ વિદ્યાર્થીઓ વાંચનમાં વ્યસ્ત રહ્યા હતા. આવતીકાલે વધારે સ્વસ્થ્ય થઇને મુખ્ય વિષયની પરીક્ષા આપનાર છે. આવતીકાલે જાહેર કરાયેલા ટાઈમટેબલ મુજબ ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની પરીક્ષા આપનાર છે. ખુબ જ મહત્વપૂર્ણ વિષય હોવાથી આના પર વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. બીજી બાજુ વિજ્ઞાન પ્રવાહ ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ આવતીકાલે રસાયણ શાસ્ત્ર અથવા તો કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા આપનાર છે. ખુબ મહત્વપૂર્ણ વિષય હોવાથી આ વિષયને લઇને વિદ્યાર્થીઓ વધારે ગંભીર બનેલા છે. મોટાભાગે રસાયણ વિજ્ઞાનનું પેપર મુશ્કેલરુપ હોવાથી વિદ્યાર્થીઓ વધારે વાંચનમાં વ્યસ્ત મંગળવારના દિવસે દેખાયા હતા. આજે ધોરણ ૧૨માં ઇતિહાસ વિષયનું પેપર રહ્યું હતું. આર્ટ્સના વિદ્યાર્થીઓએ આ પેપર આપ્યું હતું. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા ગઇકાલે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઇ હતી. પ્રથમ દિવસે સોમવારના દિવસે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષા સહિત પ્રથમ ભાષાના પેપરો આપ્યા હતા જ્યારે બપોરના ગાળામાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્રનું પેપર આપ્યું હતું. પ્રથમ દિવસે પેપર સરળ રહેવાના કારણે વિદ્યાર્થીઓ સહિત વાલીઓના ચહેરા પણ ખીલી ઉઠ્યા હતા. ધોરણ ૧૨ના વિદ્યાર્થીએ કહ્યું હતું કે, ફિઝિક્સના પાઠ્યપુસ્તક પર આધારિત પ્રશ્નો પુછવામાં આવ્યા હતા જેથી પેપર સરળ રહ્યું હતું. બોર્ડની પરીક્ષામાં અમદાવાદના ધોરણ-૧૦ના ૬૯,૩૯૦ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૨,૯૭૦ અને વિજ્ઞાનપ્રવાહના ૧૧,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. આ સાથે રાજયભરમાંથી ધોરણ-૧૦ અને ૧૨ના મળી કુલ ૧૭.૪૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં આપી રહ્યા છે. બોર્ડના તમામ સેન્ટર એવી શાળાઓ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્તથી માંડીને નીરીક્ષક સુધીની વ્યવસ્થા પણ કરાઇ છે. પરીક્ષામાં ગેરરીતિ ડામવા માટે બોર્ડ દ્વારા ૪૨થી વધુ સ્ટેટ સ્કવોડ તૈનાત કરાઇ છે. રાજયમાં ૧૫ જિલ્લાને સંવેદનશીલ જાહેર કરાયા છે, જયારે ૨૫૦ સંવેદનશીલ કેન્દ્રો સહિત ધોરણ-૧૦ અને ૧૨ના મળી કુલ ૧૫૫૩ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે. બોર્ડની પરીક્ષા માટે પસંદ કરાયેલી મોટાભાગના સેન્ટરો પર સીસીટીવીથી સજ્જ કરાયા છે, જયારે જે સેન્ટરો પર સીસીટીવી શકય નથી બન્યા ત્યાં ટેબલેટથી વિદ્યાર્થીઓ અને પરીક્ષા પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે. બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓમાં કુલ મળી ૧૭,૧૪,૯૭૯ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે.  જેમાં ધોરણ-૧૦ના કુલ ૧૧,૦૩,૬૭૪ વિદ્યાર્થીઓ, ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ૧૩,૦૪,૬૭૧ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૪,૭૬,૬૩૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. ધોરણ-૧૦ના ૭૯ ઝોનમાં કુલ ૯૦૮ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે અને જેમાં ૩૩૬૧ શાળા સંકુલમાં કુલ ૩૭,૭૦૦ બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૫૬ ઝોનના ૧૪૦ કેન્દ્રોમાં ૧૪૦ શાળા બિલ્ડીંગમાં ૬૮૮૦ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમા પણ ૫૬ ઝોનમાં ૫૦૦ કેન્દ્રો ખાતે ૧૫૨૫ બિલ્ડીંગમાં ૧૫,૭૫૭ બ્લોકમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે.

(9:02 pm IST)
  • મે-ર૦૧૯ સુધી આધારકાર્ડની જરૂરીયાતનો સુપ્રિમ કોર્ટ મુલત્વી રાખેઃ અત્યારે જીએસટી જેવી અંધાધુંધ પરિસ્થિતિ પ્રવર્તે છે! સુબ્રમણ્યમ સ્વામીનો વધુ એક વિસ્ફોટ access_time 11:29 am IST

  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST

  • PNBના 12000 કરોડ રૂપિયાથી વધુના ગોટાળા કેસના મુખ્ય આરોપી નીરવ મોદી હોંગકોંગમાંથી પોતાનો વ્યવસાય સમેટવાની ફિરાકમાં છે. તપાસ એજન્સીઓ હોંગકોંગ પહોંચે તે પહેલા નીરવ મોદી હોંગકોંગમાં પોતાનો વ્યવસાય બંધ કરવામાં લાગ્યા છે. નીરવ મોદીની ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લમિટેડની હોંગકોંગમાં પણ મોટો બિઝનેસ ધરાવે છે access_time 10:03 am IST