Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સામસામે ઉમેદવારો મુદ્દે વાંધા અરજી

ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરાયા બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સામસામે ઉમેદવારો મુદ્દે વાંધા અરજી કરાતા ભારે  ચર્ચા જાગી છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. જેમા કોંગ્રેસ દ્વારા 3 અને ભાજપ દ્વારા 3 અને એક અપક્ષ તરફથી ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સામસામે ઉમેદવારો સામે વાંધા અરજી કરવામાં આવી છે. ભાજપ દ્વારા નારણ રાઠવા અને કોગ્રેસ દ્વારા પરસોત્તમ રૂપાલા સામે વાંધા અરજી કરવામાં આવી છે.

આજે ચકાસણી થઈ તેમાં ભાજપ દ્વારા લેખિત વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાના નો ડ્યુ સર્ટિફિકેટ સામે વાંધો ઉઠાવ્યો છે. નારણ રાઠવા દ્વારા આજે જે નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં પાછળથી કોઈ સુધારાવધારા થઈ શકે નહિ, અને 15 મિનીટમાં જ ફોર્મ કેવી રીતે ભરાયુ તે અંગે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. 2009નું સર્ટિ રજૂ કર્યા પછી પાછળથી સુધારા વધારા થઈ શકે નહિ તેવો સવાલ ભાજપ દ્વારા ઉઠાવાયો છે. તો બીજી તરફ, કોંગ્રેસે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે વાંધો ઉઠાવાયો છે. જેમા પરસોત્તમ રૂપાલાનું સરનામુ અને હસ્તાક્ષર સામે વાંધો લેવાયો છે. ત્યારે હવે આવતીકાલે 15 માર્ચના રોજ ફોર્મ ચકાસણી થવાની છે, તેના બાદ જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

આમ, ગુજરાતમાં રાજ્યસભાના ઈલેક્શનનો જંગ રસાકસીભર્યો બન્યો છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા આમને સામને વાંધા અરજી કરાઈ છે. આવતીકાલે મુખ્ય ચંટૂણી અધિકારી આ અંગે નિર્ણય લેશે. વાંધા સામે ચૂંટણી અધિકારીએ 24 કલાકમાં નિર્ણય આપવો પડે છે. હવે આ વાંધા ગ્રાહ્ય રાખવા કે તે અંગે શુ નિર્ણય લેવાશે તેનું ચિત્ર આવતીકાલે દોઢ વાગ્યા સુધી જ સ્પષ્ટ થઈ જશે. 15મી માર્ચ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે.

આમ રાજયસભાની ચૂંટણી માટે હાલમાં 7 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપમાંથી મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, અને ત્રીજા ઉમેદવાર તરીકે કિરિટસિંહ રાણાને ઉતારાયા છે. જ્યારે કોંગ્રેસમાંથી અમિબેન યાજ્ઞિક, નારણ રાઠવા સત્તાવાર ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે પી કે વાલેરાને ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે. જેને પરિણામે ચૂંટણી રસપ્રદ બની ગઈ છે.

(8:27 pm IST)