Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

બિલકિશ બાનુ બળાત્કાર કેસમાં દોષિત પોલીસકર્મી તેમજ ડોક્ટર સામે શું કાર્યવાહી કરાઇ?: સુપ્રીમે ગુજરાત સરકારને પાઠવી નોટિસ

અમદાવાદઃ વર્ષ ૨૦૦૨માં બહાર આવેલ ચકચારી બિલકિશ બાનુ કેસ અંગે નામદાર સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારીને આ કેસમાં દોષિત પોલીસકર્મી તેમજ ડોક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવી તેનો જવાબ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને વળતરની રકમ વધારવાની અરજી પર છ સપ્તાહની અંદર જવાબ માંગ્યો છે. બિલકિશ બાનુની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ નોટિસ પાઠવી છે જેમાં સુપ્રીમે સરકારને પ્રશ્ન કર્યો છે કે આ કેસમાં દોષિત પોલીસકર્મી અને ડોક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવી.

પહેલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ અરજીકર્તાને જણાવ્યુ હતું કે, તમે ગુજરાત સરકારને પોતાની અરજી સોંપો. તેમજ સુપ્રીમ કોર્ટે એ પણ સવાલ કર્યો હતો કે, વળતરની રકમ વધારવા માટે દાખલ કરાયેલ અરજીમાં દોષિતોને પક્ષ કેમ બનાવવામાં આવે છે?

કોર્ટનું કહેવુ હતું કે વળતર સરકારે આપવાનુ છે તો પછી તેમાં દોષિતોની ભૂમિકા શું? કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન એ સવાલ ઉભો થયો હતો કે, વળતર વધારવા મામલે સજા મેળવી ચુકેલ દોષિતોની શું ભુમિકા? જે સંદર્ભે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પ્રશ્ન કર્યો હતો કે દોષિતો સામે અત્યાર સુધી કઈ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને વળતર વધારવા મુદ્દે તેમનો પક્ષ રજુ કરવા માટે જણાવ્યુ છે.

મહત્વનુ છે કે ૨૦૦૨માં ગુજરાત રમખાણ સમયે બિલકિસ બાનુના પરિવારના ૧૪ લોકોની હત્યા કરાઈ હતી. તેમજ ૧૯ વર્ષીય બિલકિસ બાનુ પર કેટલાક શખ્સો દ્વારા બળાત્કાર ગુજારાયો હતો. તે સમયે તે ૫ મહિનાની ગર્ભવતી હતી. આ મામલે ૧૧ દોષિતોને આજીવન કેદની સજા થયેલી છે.

(5:35 pm IST)