Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

સામાન્ય ચૂંટણીને લઇ કાલથી ભાજપના વિવિધ કાર્યક્રમ શરૂ

કમલમ ખાતે ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક : આજથી ૩ દિન સુધી વિવિધ ક્ષેત્રોના યુવાનોના અભિપ્રાય લેવા યુવા મોરચા જોડાશે : ધ્વજારોહણના પણ કાર્યક્રમો

અમદાવાદ,તા.૧૩ :લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે આક્રમક તૈયારીઓ શરૂ કરી દીધી છે. એકબાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આવતીકાલે ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફુંકનાર છે ત્યારે બીજી બાજુ ભાજપના કમલમ ખાતે યુવા મોરચાની બેઠક મળી હતી જેમાં જુદા જુદા કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા. આના ભાગરુપે  આવતીકાલથી ભારત કી મન કી બાત મોદી કે સાથ ૫૯૦ સ્થળ પર જુદા જુદા યુવાનો અભિપ્રાય લેવાશે. ભાજપા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલે શ્રી કમલમ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયાને સંબોધતા જણાવ્યુ હતુ કે, આજરોજ પ્રદેશ યુવા મોરચાની પ્રદેશ બેઠક મળી હતી, જેમાં પ્રદેશ મહામંત્રી અને યુવા મોરચાના પ્રભારી કે.સી.પટેલ, પ્રદેશ મંત્રી  પ્રદિપસિંહ વાઘેલા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતુ. પટેલે જણાવ્યુ હતુ કે, ભારત કે મન કી બાત - મોદી કે સાથ અભિયાન અંતર્ગત તારીખ ૧૪, ૧૫, ૧૬ ફેબ્રુઆરીના રોજ યુવા મોરચો ભાજપાના સંકલ્પપત્ર માટે ફરતા રથ સાથે જોડાઇ ગુજરાતભરમાં ૫૯૦ સ્થાનો પર પરિભ્રમણ કરી કોલેજીયન યુવાનો, નોકરીયાત યુવાન, ખેડુત યુવાન, ઇદ્યોગક્ષેત્રે જોડાયેલ યુવાન આ તમામ યુવાનોના સંપર્ક કરી તેમનો અભિપ્રાય મેળવશે. રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના વરદ્ હસ્તે શરૂ થયેલ મેરા પરિવાર-ભાજપા પરિવાર અભિયાનમાં સહભાગી થઇને તારીખ ૧૪ અને ૧૫, ફેબ્રુઆરીના રોજ ગુજરાતભરમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ પોતાના નિવાસસ્થાને ભાજપાના ધ્વજનું ધ્વજારોહણ કરશે. પ્રદેશ ભાજપા યુવા મોરચા દ્વારા મંડલ થી લઇને જીલ્લા સ્તર સુધી તારીખ ૧૯ થી ૨૩ ફેબ્રુઆરી દરમ્યાન રમતોત્સવ તથા યુવા મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવશે. આ રમતોત્સવમાં મંડલસ્તરે ચેસ, કબડી, કેરમ, વોલીબોલ અને રસ્સા ખેંચ જેવી સ્પર્ધાત્મક રમતો યોજાશે. મંડલસ્તરેથી વિજેતા થયેલ ટીમ જીલ્લાસ્તરે ભાગ લેશે અને ત્યારબાદ જીલ્લાસ્તરે વિજેતા થયેલ ટીમ તારીખ ૨૪ ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે યોજાનાર પ્રદેશ કક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે. તે જ પ્રકારે તારીખ ૨૧ અને ૨૨ ફેબ્રુઆરીના રોજ મંડલ થી લઇ જીલ્લાકક્ષાએ યુવા મહોત્સવનું આયોજન હાથ ધરાશે. આ યુવા મહોત્સવમાં દેશભક્તિ વેશભુષા કાર્યક્રમ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજના આધારિત નાટકો, સંગીત-નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી યુવાનોની પ્રતિમાને બહાર લાવવાના હેતુથી સ્પર્ધાત્મક કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ તારીખ ૨૪ ફેબ્રુઆરીના રોજ જીલ્લાસતરે સારું પર્ફોમન્સ કરનારને ગાંધીનગર ખાતે યોજાનાર પ્રદેશકક્ષાના યુવા મહોત્સવમાં ભાગ લેવાનો અવસર મળશે. તારીખ ૨જી માર્ચના રોજ રાજ્યભરમાં યોજનારમાં વિધાનસભાદીઠ બાઇક રેલી યોજાનાર છે, જેમાં યુવા મોરચાના પાંચ લાખથી વધુ યોવાનો ભાગ લેશે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ બેઠકમાં પ્રદેશ યુવા મોરચાની ટીમ, રાષ્ટીય યુવા મોરચાના પદાધિકારીઓ, જીલ્લા મહાનગરના પ્રભારી-સહપ્રભારી, જીલ્લા/મહાનગરોના યુવા મોરચાના પ્રમુખ/મહામંત્રીઓ તથા બાઇક રેલીના ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા તેમ પટેલે અંતમાં જણાવ્યુ હતુ.

 આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર મુકામે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હોલ ખાતે અને તાપી રીવરફ્રન્ટ, સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણશ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તથા પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં વલસાડ, નવસારી અને સુરત લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલનો યોજાયા હતા.

(8:14 pm IST)