Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

વેલેન્ટાઇન બેબી : આવતીકાલે સંખ્યાબંધ સિઝેરિયનના પ્લાનિંગ

અનેક કપલે વેલેન્ટાઇન બેબીના બર્થ માટે આવતીકાલે ગાયનેક હોસ્પિટલોમાં નોંધણી કરાવી દીધી છે

અમદાવાદ તા. ૧૩ : પ્રેમને રજૂ કરવાનું પર્વ એટલે વેલેન્ટાઇન ડે. આવતી કાલે આ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આ વર્ષે વેલેંટાઈન બેબીનું પ્લાનિંગ વધુ પ્રમાણમાં કરાયું છે. અનેક કપલે વેલેન્ટાઈન બેબીના બર્થ માટે આવતી કાલે ગાયનેક હોસ્પિટલોમાં નોંધણી કરાવી દીધી છે. શહેરમાં અંદાજે આવી ૩૦થી વધુ વેલેન્ટાઈન બેબીનાં સ્પેશિયલ પ્લાનિંગ થયાં છે.

આ અંગે ગાયનેકોલોજિસ્ટ ડો. મેઘા મહેતાએ જણાવ્યું હતું કે આવતી કાલે અમે ૩ બેબી બર્થ પ્લાન કર્યા છે, પરંતુ તેમાં માત્ર દિવસની પસંદગી જ ધ્યાને નહીં લેતાં પેશન્ટ અને મેડિકલને લગતી તમામ બાબતોની ખરાઈ કર્યા બાદ જ બેબી સિઝેરિયન કરાશે. ગાયનેકોલોજિસ્ટ ડો. જયોતિબહેન પટેલે જણાવ્યું હતું કે, સિઝેરિયન કરવા બાબતના તમામ રિપોર્ટની ચકાસણી અને બેબીની મેચ્યોરિટી સહિતના તમામ પાસાની ચકાસણી કરાયા બાદ જ સિઝેરિયન પ્લાન કરાશે.

આ વર્ષે પણ યુવાઓનો મિજાજ ઉજવણીના બદલે સેવા કાર્યો તરફ વળ્યો છે. ચોકલેટ, ગુલાબ, ગિફટ અને કેક કાપવા માટે થનારા ખર્ચને સામાજિક કાર્યોમાં વાપરવાનો ટ્રેન્ડ વધ્યો છે. કેટલીક કોલેજના સ્ટુડન્ટોએ ભેગાં મળીને વેલેન્ટાઇન ડે પાછળ બિનજરૂરી ખર્ચ કરવાના બદલે આવતી કાલે ગરીબોને ભોજન કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરીને ડેની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

શહેરનું મોટા ભાગનું યુવાધન વેલેન્ટાઈન ડેની ખરીદી અને આયોજનમાં વ્યસ્ત બન્યું છે. શહેરમાં આવેલી મોટા ભાગની ગિફટની દુકાનમાં વિવિધ વરાઈટીની ગિફટ તેમજ કાર્ડનો સ્ટોક આવી ગયો છે. શહેરનાં વિવિધ થીએટરમાં બુકિંગ શરૂ થઈ ગયાં છે.

વેલેન્ટાઈન ડે પર ગુલાબનું ખાસ મહત્ત્વ છે. સામાન્ય દિવસોમાં નજીવી કિંમતે મળતા ગુલાબ આવતી કાલે રૂ.૫૦થી રૂ.૨૦૦ના ભાવે વેચાશે, જોકે ચાલુ વર્ષે ટેડીબેર તેમજ ફોટો ફ્રેમ જેવી ગિફટ યુવાઓમાં વધુ પ્રિય રહી છે. બજારમાં વિવિધ વરાઈટીની ચોકલેટ, લવ સોંગ્સ, લવ કાર્ડ, લવ વોચ, ગોગલ્સ, લવ બેલ્ટ, લવ ડોલ, કોલેજ બેગ, ચોકલેટ, ટેડીબેર અને ફેન્સી રોઝ તો ખરા કેક શોપમાં વેલેન્ટાઇન્સ કેકના ઓર્ડર બુક થઇ ગયા છે.

સરપ્રાઇઝ ગિફટ, સરપ્રાઇઝ પાર્ટી, સરપ્રાઇઝ લંચ, ડિનર એરેન્જ થઇ ચૂકયાં છે. હાર્ટ શેપમાં સ્પેશિયલ કપ કેક, પેસ્ટ્રી, આઈ લવ યુ ચોકલેટ વગેરે જુદી જુદી ફલેવર્સ સાથે બેકરી શોપમાં ગોઠવાઈ ગયાં છે. આવતી કાલે લગ્ન પણ મોટા પ્રમાણમાં યોજાયા છે, જેમાં વેલેન્ટાઇન્સ સ્પેશિયલ મેરેજ કેક કટિંગ થશે.(૨૧.૨૨)

(3:48 pm IST)