Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

વડોદરા ક્રાઈમ બ્રાંચ પોલીસે ચેઇન સ્નેચિંગ કરનાર ત્રણ આરોપીને ઝડપી લીધા :સોનાના 13 ચેઇન સહીત 6.17 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોરીનો માલ રાખનારને પણ દબોચી લીધો :ઝડપાયેલા ચારેય આરોપીઓ અગાઉ વિવિધ ગુનામાં સંડોવાયેલા છે

 

વડોદરા શહેરમાં છેલ્લા બે વર્ષથી મહિલાઓના ગળામાંથી ચેઈન સ્નેચીંગ કરનાર ત્રણ શખ્સને વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચ પોલીસે અમીતનગર સર્કલ પાસેથી તેમજ ચોરીનો માલ રાખનાર શખ્સને પણ ઝડપી પાડયો હતો. ઉપરાંત ઝડપાયેલા આરોપી પાસેથી સોનાની ચેઈન 13નંગ, એક એકટીવા મોપેડ, પેશન મોટર સાયકલ, એક સુઝુકી મોપેડ,એક ઈલેકટ્રીક વજનકાંટો, મોબાઈલ ફોન નંગ 3 સાથે 6,17,502નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચ પોલીસને મળેલ બાતમીના આધારે અમીતનગર સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન આજે વહેલી સવારના અમીતનગર બ્રીજ પાસે અમદાવાદ તરફથી વાહન પર આવી રહેલા શખ્સને ઝડપી પાડયા હતાં. ઝડપી પાડેલા આરોપી મનીષ ઉર્ફે મનીયો રહે. માતૃભુમી ટેનામેન્ટ-અમદાવાદ, ભૌમિક ઉર્ફે લાલો ભુપેન્દ્રભાઈ ત્રિવેદી રહે. સતકર્મનગર રહે. અમદાવાદ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ રમેશભાઈ કાકડીયા રહે. કે.પી.રેસીડન્સી-નિકોલ-અમદાવાદને ઝડપી પાડય હતાં તેમજ અમદાવાદના વાસણા ખાતે રહેતા અને ચોરીનો માલ રાખનાર હીમતસિંહ કાળુસિંહ રાજપુતને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આરોપી પાસેથી સોનાની ચેઈન 13 નંગ કિંમત 5,16,802, એક એકટીવા મોપેડ કિંમત રૂપિયા 30,000, એક પેશન મોટરસાયકલ કિંમત રૂપિયા 30,000, એક સુઝુકી એકસેસ કિંમત રૂપિયા 30,000, એક ઈલેકટ્રીક વજનકાંટો કિંમત રૂપિયા 200, મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂપિયા 10500ના મળી કુલે 6,17,502નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાંચ પોલીસે ઝડપી પાડેલા ચારેય આરોપીઓ ખુન, વાહનચોરી, છેતરપિંડી, જુગાર, ચેઈન સ્નેચીંગ, મારમારી જેવા ગુનામાં સંડાવાયેલા છે.

(8:45 am IST)