Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સ્વાઇન ફ્લુ લીધે મહિલાનું મોત થતા ભારે સનસનાટી

સ્વાઈન ફ્લુના છુટાછવાયા કેસો સપાટી ઉપર : અમદાવાદ ખાતે એક અને પાટણમાં સ્વાઈન ફ્લુથી બેના મોત થઇ ચુક્યા છે : કેસોની સંખ્યા વધવાની પણ દહેશત

અમદાવાદ,તા. ૧૩ : અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના કારણે એક મહિલાના મોતના સમાચાર સપાટી ઉપર આવતા ખળભળાટ મચી ગયો છે. સ્વાઈન ફ્લુની અસર થયા બાદ ૬૨ વર્ષીય મહિલાને અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાનું મોત થોડાક દિવસ પહેલા થઇ ગયું હતું પરંતુ વિગતો હવે સપાટી ઉપર આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ હવે મોટેરા વિસ્તારની આ મહિલાનું મોત સ્વાઇન ફ્લુના કારણે થયું હોવાના અહેવાલને સમર્થન આપ્યું છે. મોટેરા વિસ્તારમાં વિતેલા વર્ષોમાં પણ આ રોગના કેસો નોંધાઈ ચુક્યા છે. મહિલાને છેલ્લા ૧૦ દિવસથી ઊંચા તાવની અસર હતી. ત્યારબાદ આ મહિલાને શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પાંચ દિવસ સુધી આ મહિલા સારવાર હેઠળ રહી હતી. આ મહિલાની તબિયત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સતત વધારે ખરાબ થઇ રહી હતી. આ મહિલાનું હાર્ટ અને શ્વાસની તકલીફના કારણે સારવાર દરમિયાન મોત થઇ ગયું હતું. એએમસીના અધિકારીઓનું કહેવું છે કે, દર્દીએ અગાઉ તબીબી ચકાસણી કરાવી ન હતી. બીજી બાજુ શહેરના આરોગ્ય વિભાગના કહેવા મુજબ સ્વાઈન ફ્લુના છુટાછવાયા કેસો હજુ પણ સપાટી ઉપર આવી રહ્યા છે. સ્વાઈન ફ્લુને કાબૂમાં લેવા માટે તંત્ર તરફથી તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સોમવારના દિવસે પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં સ્વાઈન ફ્લુના કારણે સાઉદી અરેબિયાથી આવેલી ૫૨ વર્ષીય એનઆરઆઈનું મોત થયું હતું. તેમના પત્નિ પણ સ્વાઈન ફ્લુ વાયરસથી ગ્રસ્ત હોવાની શંકાના આધારે તપાસ ઉપર હતા. ત્રણ મહિના પહેલા આ દંપત્તિ પોતાના વતન પાટણમાં આવ્યું હતું અને પાટણમાં કાલીબજારમાં રહેતું હતું.

(8:24 pm IST)