Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

કામરેજના દેરોડા નજીક ટેમ્પો પલ્ટી ખાતા 2 બાળક સહીત 20મહિલા ઈજાગ્રસ્ત

બારડોલી: તાલુકાના રૃવા ભરમપોરથી મહિલાઓને બેસાડી કામરેજના દેરોડ ગામે બેસણામાં જઈ રહેલો ટેમ્પો શામપુરા ગામનાં સીમમાં પલટી ગયો હતો. જેમાં ચાલક, ૨ બાળક અને ૨૦ મહિલા મળી કુલ ૨૩ જણાને ઈજા થતાં સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ભરમપોર ગામે રહેતા દિનેશભાઈ કેશવબાઈ હળપતિના સસરાનું ગત મંગળવારના રોજ અવસાન થયું હતું. આજે તેમનું બેસણું રાખ્યું હતું. દિનેશે પોતાના ગામની મહિલાઓને સસરાનાં બેસણામાં લઈ જવા માટે ટાટા એસ ટેમ્પોની વ્યવસ્થા કરી હતી.

સોમવારના રોજ સવારે ભોજ ગામના શંકરભાઈ હળપતિના ટેમ્પો (નં.-જીજે-૬-ઝેડઝેડ-૧૩૬૦) માં બેસીને લગભગ ૨૧ મહિલાઓ અને ૨ બાળકો મળી કુલ ૨૩ જણા દેરોડ જવા માટે નીકળ્યા હતા. તેમનો ટેમ્પો વિહાણ-શામપુરા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે શામપુરા ગામની સીમમાં ચાલક શંકરભાઈએ સ્ટેયરીંગ પરથી નિયંત્રણ ગુમાવી દેતાં ટેમ્પો રોડ પર જ પલટી મારી ગયો હતો.

ટેમ્પામાં સવાર મહિલાઓની ચીસાચીસ સાંભળી આસપાસના રહીશો સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ટેમ્પોમાં સવાર તમામને સુરક્ષિત બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર શરૃ કરી દેવામાં આવી હતી.

(6:40 pm IST)