Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

આણંદમાં ૨૦ દિવસથી પાણી માટે લત્તાવાસીઓના વલખાઃ રજૂઆતો છતાં પરિણામો નહીં

આણંદઃ આણંદના વિરીયાની કૂલ વિસ્તારમાં પાણીની સમસ્‍યાથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે.

આણંદમાં વિદ્યાડેરી રોડ પરના મોરીયાની કૂઇ વિસ્તારમાં પીવાના પાણીની છેલ્લાં ૨૦ દિવસથી વિકટ સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક રહીશોને પીવાના પાણી માટે આસપાસની સોસાયટીઓએ રઝળપાટ કરવી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર મોરીયાની કૂઈવાળા વિસ્તારમાં પાલિકાના બોરની મોટર બગડી જતાં પીવાના પાણીની મુશ્કેલી વધી જવા પામી છે.

વોર્ડનાં કાઉન્સિલરોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ સુખદ નિર્ણય લેવાયો ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

આણંદ શહેરના છેવાડે આવેલા મોરીયા કૂઈ વિસ્તારમાં ૨૫થી ૩૦ ઘરો આવેલા છે. જેની અલાયદી પાણીના સબમર્શિબલ પંપની વ્યવસ્થા ઊભી કરાઈ છે. છેલ્લાં ૨૦ દિવસથી આ પંપની મોટર બગડી જતાં સ્થાનિક મહિલાઓને પીવાના અને વાપરવાના પાણી માટે રઝળપાટ કરવી પડી રહી છે. સ્થાનિક રહેવાસી જસવંતભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, પીવા અને અન્ય ઘર વપરાશ સાથે ઢોરો માટે પીવાનું પાણી લેવા નજીકની સોસાયટીઓ તરફ જવું પડી રહ્યું છે. આ અંગે વોર્ડના બે કાઉન્સિલરોને મૌખિક રજૂઆત કરી હતી. નગરપાલિકા ઉપપ્રમુખ કાંતિભાઈ ચાવડાને રૂબરૂ મૌખિક જાણ કરવા છતાં છેલ્લાં ૨૦ દિવસથી કોઈ જ નિર્ણય લેવાયો નથી અને સ્થિતિ જૈસે થૈ ની રહેવા પામી છે.

મોરીયા કૂઇ વિસ્તારની સમસ્યા અંગે વોર્ડ નં.૧૩ના કાઉન્સિરના પતિ રાજેશભાઇ પઢિયારે જણાવ્યું હતું કે, આ વિસ્તારની સબમર્સીબલ પંપની મોટર બે વખત બળી ગઇ હતી. બે ગોહેલ પરિવારોનાં આંતરિક કલહના કારણે અવિરત પંપ ચાલુ રહેવાથી મોટર બળી ગઇ હોવાની વાત મને જાણવા મળેલ છે. વધુમાં આ વિસ્તારમાં નીચા નળ હોવાથી અગાઉથી પાણીની સમસ્યા હતી, જે અંગે નવી પાઇપલાઇન નાંખવાનું મંજૂર થયેલ છે.

(7:24 pm IST)