Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

જાતિના ખોટા પ્રમાણપત્રથી નોકરી મેળવનારને ૩ વર્ષની કેદ-પ૦ હજારનો દંડઃ ચૂંટણી જીત્‍યા હશે તો સભ્યપદ રદ્દ થશેઃ સરકાર બજેટ સત્રમાં નવો કાયદો પસાર કરશેઃ ગણપત વસાવાની મહત્વની જાહેરાત

સુરતઃ  જાતિના ખોટા પ્રમાણપત્રોના આધારે અનામતનો લાભ લઇ નોકરી મેળવનારાઓ સામે તથા ડિગ્રી મેળવનારાઓ સામે રાજ્ય સરકાર કડક હાથે કામ લઇ અને આ બાબતનો નવો કાયદો આગામી બજેટ સત્રમાં પસાર કરનાર છે, જેમાં ૩ વર્ષની કેદ, નોકરીમાંથી બરતરફ અને પ૦ હજારના દંડ સહિતની કડક જોગવાઇઓ કરવામાં આવી છે, તેમ સુરત ખાતે રાજ્યના વન અને પર્યાવરણ તથા આદિવાસી મંત્રાલયના મંત્રી ગણપત વસાવાઅે જાહેર કર્યું છે. તેઓઅે જણાવેલ કે, તાજેતરમાં ખોટા જાતિ પ્રમાણપત્ર ઈશ્યુ કરવા બાબતે તેમજ જાતિ પ્રમાણપત્રોના આધારે અનામતના લાભો મેળવાતા હોવાની અનેક વિવિધ રજુઆત રાજ્ય સરકારને મળી હતી. જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ બજટ સત્રમાં રાજ્ય સરકાર નવો કાયદો પસાર કરવા જઈ રહી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જા‌તિનું પ્રમાણપત્ર અનામત મેળવનાર લોકો માટે મહત્વનો દસ્તાવેજ છે. આદિવાસી સમાજ, દલિત સમાજ તેનો લાભ લે તે માટે સરકાર કટિબદ્ધ છે. જે માટે વિજય રૂપાણી સરકાર નવો કાયદો લાવી રહી છે. આવનારી વિધાનસભાના બજેટ સત્રમાં આદિવાસી દલિત બક્ષીપંચ સમાજના હિતોનું રક્ષણ કરતો કાયદો લવાશે.

વસાવાએ જણાવ્યું કે જાતિના ખોટા પ્રમાણપત્રના આધારે નોકરી લીધી હશે તો નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. 3 વર્ષની સજા થશે. જો નાણાંકીય લાભ લીધો હશે તો તે વસૂલ કરવામાં આવશે. સાથે જ ખોટા પ્રમાણપત્ર દ્વારા ચૂંટણી લડીને જીત્યા હશે તો તેને પણ રદ્દ કરવામાં આવશે.

આદિવાસી, દલિત અને બક્ષીપંચ સમાજના બંધારણીય અધિકારો માટે ગુજરાત સરકાર ઐતિહાસિક કાયદો બનવવા જઈ રહી છે.

અત્રે અે નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બોગસ જાતિ પ્રમાણપત્ર મેળવી સરકારી લાભ લેવા અંગેના વિરોધે જોર પકડ્યું છે, જેની ગંભીરતાને ધ્યાનમાં રાખી આવનાર બજેટ સત્રમાં સરકાર નવો કાયદો લાવશે તેવી જાહેરાત આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપત વસાવા અને સમાજ કલ્યાણ મંત્રી ઈશ્વર પરમારએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.

નવા કાયદામાં કઇ-કઇ જોગવાઇઓ...

- જાતિ ખોટા પ્રમાણપત્ર ના આધારે સરકારી નોકરી લીધી હશે તો 3 વર્ષ સજા અને સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે સાથે નાણાકીય લાભ લીધા હશે તે પણ વસુલ કરવામાં આવશે.

- શિક્ષણ ક્ષેત્રમાં અનામત જગ્યાએ પ્રવેશ મેળવવો હોય કે ડિગ્રી મેળવી હોય તે સહિત અન્ય લાભો મેળવ્યા હોય તે રદ કરાશે અને શિષ્યવૃત્તિ તેમજ અનુદાન પરત લેવામાં આવશે.

- ખોટા પ્રમાણપત્રના આધારે ચૂંટણી લડી જીત્યા હશે તો તે રદ કરી જે લાભ મેળવ્યા હશે તે વસુલ કરશે.

- 50 હજારના દંડની પણ જોગવાઈ કરાઈ છે.

- જાતિ પ્રમાણપત્ર હવેથી ફરજીયાત ચકાસણી કરવામાં આવશે.

- જ્યાં પણ અનામત હશે તમામ સ્થળોએ જાતિના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.

- ખોટા જાતિ પ્રમાણપત્ર બનાવનારની સામે પણ કડક સજાની જોગવાઈ નવા કાયદામાં હશે.

- હાલમાં જે જોગવાઈઓ છે તેના કરતાં અલગ જોગવાઈઓ કરશે નવા કાયદામાં.

(5:34 pm IST)
  • છત્તીસગઢની રમણસિંઘ ભાજપ સરકાર માટે રાહતના સમાચારઃ વીઆઈપીઓ માટે ઓગષ્ટા હેલીકોપ્ટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગણી કરતી એક જાહેર હિતની અરજી સુપ્રિમ કોર્ટે રદબાતલ કરી છે : આ પીઆઈએલ (પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન) દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંઘના પુત્રના વિદેશી બેન્ક ખાતાઓમાં ઠલવાયેલ નાણા સંદર્ભે તપાસની માંગણી થયેલ access_time 11:38 am IST

  • યુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST

  • મહારાષ્ટ્રના નાગપુરમાં નગરનિગમે ટ્રાન્સજેન્ડર્સ માટે એક અલગ ટૉઇલેટ બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી ટ્રાન્સજેન્ડર્સ માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય છતાં મહારાષ્ટ્ર આ મામલે ધીમું ચાલી રહ્યું હતું. નાગપુરમાં સોમવારે કલેક્ટરેટ ઓફિસમાં આ બાબતે બેઠક યોજાઈ હતી. access_time 1:30 am IST