Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ત્રિપલ મર્ડર કેસમાં વધુ એક આરોપીને અપાયેલા જામીન

ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવો ચકચારી કેસ : ખળભળાટ મચાવનારા કેસમાં હાઇકોર્ટથી બીજાને જામીન હત્યાની ઘટનાને માર્ગ દુર્ઘટનામાં ખપાવવા સંબંધિત કેસ

અમદાવાદ, તા.૧૩ : આણંદ જિલ્લાના આંકલાવ ખાતે ત્રિપલ મર્ડરની ઘટના રૂટીન ટ્રક અકસ્માતમાં ખપાવવાના રાજયભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા કેસમાં ગુજરાત હાઇકોર્ટે થોડા સમય પહેલાં આરોપી ટ્રક ડ્રાયવરને આકરી શરતો સાથે રેગ્યુલર જામીન આપ્યા બાદ હવે હાઇકોર્ટના જસ્ટિસ વી.એમ.પંચોલીએ વધુ એક આરોપી સુનીલ ભરતભાઇ પરમારને કાયમી જામીન મંજૂર કર્યા છે. હિન્દી ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવા રાજયના ચકચારભર્યા કેસમાં કુલ પાંચ આરોપીઓ જેલના સળિયા પાછળ હતા, જેમાંથી પહેલા ટ્રક ડ્રાઇવર આરોપીને હાઇકોર્ટે જામીન આપ્યા હતા, ત્યારબાદ બીજા આરોપીને રેગ્યુલર જામીન મળ્યા છે, જે નોંધનીય છે. ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર અને હિન્દી ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે એવા કેસમાં આરોપી સુનીલ પરમાર તરફથી હાઇકોર્ટમાં કરાયેલી જામીનઅરજીમાં સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને એડવોકેટ સિધ્ધાર્થ ખેસકાણીએ મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં અરજદાર વિરૂધ્ધ કોઇ પ્રથમદર્શનીય ગુનો બનતો નથી.

              તેની વિરૂધ્ધ ગુનામાં સાંકળી શકાય તેવો કોઇ પુરાવો પણ પોલીસ તપાસમાં આવ્યો નથી. એટલે સુધી કે, અરજદારનું એફઆઇઆરમાં પણ નામ નથી, માત્ર ષડયંત્રમાં આરોપીની સંડોવણી હોવાનો આક્ષેપ માત્ર છે, પરંતુ તેને સાબિત કરતાં કે પુરવાર કરતાં કોઇ નક્કર પુરાવા પોલીસ પાસે ઉપલબ્ધ નથી. પોલીસે માત્ર કેસના સહઆરોપીના નિવેદનના આધારે અરજદારને ગુનામાં સંડોવી દીધો છે. કેસની તપાસ પૂર્ણ થઇ ગઇ છે અને ચાર્જશીટ પણ ફાઇલ થઇ ગયું છે. સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ સુપ્રીમકોર્ટના સંજય ચંદ્રા વિરૂધ્ધ સીબીઆઇના મહત્વના ચુકાદાને ટાંકીને હાઇકોર્ટનું કેટલીક મહત્વની બાબતો પરત્વે ધ્યાન દોર્યું હતું કે, સુપ્રીમકોર્ટે યોગ્ય જણાય તેવા કિસ્સામાં જામીન માટેના સિધ્ધાંતો પ્રસ્થાપિત કર્યા છે, ત્યારે હાઇકોર્ટે તેને ધ્યાને લેવા જોઇએ. અરજદાર વિરૂધ્ધ અગાઉ કોઇ ગુનાહિત ઇતિહાસ નોંધાયેલ નથી.

             વળી, ખુદ નજરે જોનાર સાહેદે બાઇકચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હોવાનું નિવેદન આપ્યું છે ત્યારે કેસ એક કુદરતી અકસ્માતનો કેસ છે અને સમગ્ર કેસમાં અરજદાર વિરૂધ્ધ સહઆરોપીના નિવેદન સિવાય બીજા કોઇ પુરાવા નહી હોવાથી હાઇકોર્ટે જામીન આપવા જોઇએ. દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ચકચારભર્યા એવા કેસમાં બીજા આરોપીના શરતી જામીન મંજૂર રાખતો હુકમ કર્યો હતો. રાજયભરમાં ભારે ખળભળાટ મચાવનારા કેસની વિગત એવી છે કે, આણંદના આંકલાવ તાલુકાના કોશીન્દ્રા ગામે રહેતા અબ્બાસભાઇ ઉમરભાઇ મલેક અને યુનુસભાઇ મલેક વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી જમીન, મકાન અને મસ્જિદના વિવાદોને લઇ તકરાર અને ઝઘડા ચાલ્યા આવતા હતા.

             અદાવતમાં ગત તા.૨૨--૨૦૧૮ના રોજ અબ્બાસભાઇનો દિકરો અનવર મલેક, બીજા ભાઇ નીયાઝ ઉમર મલેક અને એક મજૂર આજીમભાઇ હાસમ મલેક વેગન આર કારમાં ભામણ ગામે કડિયાકામે જતા હતા ત્યારે જીલોડાથી ચમારા રોડ પર જીજે-૧૭-ટી-૭૧૦૧ નંબરની ટ્રક દ્વારા તેમની કારને જોરદાર ટક્કર મારી ઉડાવી દેવાઇ હતી અને અકસ્માતમાં ઉપરોકત ત્રણેય જણાં મૃત્યુ પામ્યા હતા. શરૂઆતમાં તો, પોલીસે માર્ગ અકસ્માતનો ગુનો નોંધ્યો હતો પરંતુ બાદમાં ફરિયાદી સલીમ સીકંદર મલેક દ્વારા કરાયેલી ફરિયાદની તપાસમાં મર્ડરના સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો. કેસમાં આરોપી શાહરૂખ શબ્બીર મલેક સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરાઇ હતી.

(7:46 pm IST)