Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

થરાદના ટેરોલ ગામમાં યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં ચકચાર

મૃતકના પરિવારે હત્યા કરાઈ હોવાના આક્ષેપ કર્યા

થરાદ : થરાદ તાલુકાના ટેરોલ ગામે ઠાકોર સમાજના અંદાજે ૨૬ વર્ષીય પરણિત યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં ચકચાર જાગી છે મૃતકના પરિવારે હત્યા કરાઈ હોવાના આક્ષેપ કર્યા હતા. જાકે,શરૂઆતમાં મૃતકની લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યા બાદ પોલીસની સમજાવટથી આખરે લાશ સ્વીકારી હતી.

  આ અંગે મળતી વિગત મુજબ થરાદ તાલુકાના ઉટવેલીયા ગામના બેચરાજી રાયચંદજી ઠાકોર પત્ની બે પુત્રો સહિત તાલુકાના ટેરોલ ગામે આવેલ પોતાના સસરાના ખેતરમાં ખેત મજૂરી ભાગીયા તરીકે રહેતા હતા અને ખેત મજૂરી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા.દરમ્યાન ગતરાત્રે બેચરાજી ઠાકોર પોતાના રહેણાંક બનાવેલ છાપરની અંદર લોખંડની પાઈપને દોરડું બાંધી ગળે ફાંસો ખાધેલ મળી આવતાં તેના પરિવારજનોને જાણ થતાં ઉટવેલીયા ગામેથી મોટી સંખ્યામાં પરિવાર સહિત અન્ય ગામલોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા

  મૃતક બેચરાજી ઠાકોરે ફાંસો ખાધેલ હતો. તેના નીચે પડેલા ખાટલા પર શરીર અડી જતાં અને બંને પગ ખાટલાની નીચે લબડતા હોવાથી મૃતકના પરિવારે આક્ષેપો કર્યા હતા કે બેચરાજી ઠાકોરની હત્યા કરાઈ હોવાનું જાણી થરાદ પોલીસને જાણ કરતાં પીએસઆઇ કે.જી.પરમાર પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પરંતુ પરિવારે મૃતકના સાળાએ હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરી મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ મથકે ઉમટી પડ્‌યા હતા અને હત્યાનો ગુન્હો નોંધાયા બાદ લાશ પીએમ ખાતે લઈ જવામાં આવશે તેવી હઠાગ્રહ પકડી હતી.આથી પીઆઇ જે.બી. ચૌધરીએ પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું કે આ બાબતે પોલીસ સાચી દિશામાં તપાસ કરી રહી છે અને હાલમાં આત્મહત્યાનો ગુન્હો નોંધી મૃતકની લાશને પેનલથી પીએમ કરાવવામાં આવશે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ રિપોર્ટના આધારે હત્યા સાબિત થશે તો હત્યા મુજબનો ગુન્હો નોંધવામાં આવશે. આથી પરિવારજનોએ મૃતકની લાશ સ્વીકારવા તૈયાર થઈ લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લવાઈ હતી અને પીએમ થયા બાદ લાશ પરિવારજનોને સોંપવામાં આવી હતી.

(1:07 pm IST)