Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ગોધરાકાંડના આરોપી જર્દાનું જેલમાં ઝડપાયેલુ કોલ સેન્ટર

જેલમાં ચાલતા કોલ સેન્ટર મામલે ચાર પકડાયા : ૩૦ ફૂટ ઊંચી દિવાલો ઉપર લાગેલા ઝામર વચ્ચે સલીમ જર્દા ફોન સાથે કેદીઓ વચ્ચે રહેતો હતો : તપાસનો દોર

અમદાવાદ, તા.૧૨ :    વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ગોધરાકાંડ ૨૦૦૨ના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા સલીમ યુસુફ જર્દા પાસેથી મોબાઇલ ફોન મળી આવવા મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, કુખ્યાત સલીમ જર્દા વડોદરા જેલમાંથી જ બિન્દાસ્ત રીતે ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો હતો અને જેલના અન્ય કેદીઓને મોબાઇલ મારફતે બહાર વાત કરવી હોય તો કરાવી આપતો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સલીમ જર્દા જેલમાં બેઠા બેઠા કોલ સેન્ટર ચલાવી રહ્યો હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેલની ૩૦ ફૂટ ઊંચી દિવાલો ઉપર લાગેલા ઝામર વચ્ચે સલીમ જર્દા મોબાઇલ સાથે ૨૪ કલાક કેદીઓની વચ્ચે રહેતો હતો. તેની પાસેથી કુલ ૪ મોબાઈલ ઝડપાયા છે અને આ ૪ મોબાઈલના આઇએમઇઆઇ નંબર પરથી તપાસ કરતા ૨૪ નંબર પર વાતો થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમજ તે એક કેદી પાસેથી મહિને લગભગ રૂ.૫૦૦૦ જેટલો ચાર્જ લેતો હતો.

               આશ્ચર્યની વાત તો એ છે કે, જેલમાં બેઠા બેઠા તે તેના સગા સંબંધીના એકાઉન્ટ નંબર આપતો હતો અને તેના ખાતામાં ફોનના ચાર્જ પેટે લીધેલા પૈસા જમા કરાવડાવતો હતો. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અશોક વસાવા, આસિફ ઉર્ફે તિતલી સલીમ શેખ, મયુર માનાજીરાવ ગાયકવાડ, અબ્દુલ ઉર્ફે મુન્નો થમ્સઅપ રહેમાન શેખની ધરપકડ કરવામાં આવી છે. તો, બીજીબાજુ, જેલ સત્તાધીશો સામે પણ હવે ગંભીર સવાલો ઉઠયા છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ૪ સ્માર્ટ ફોન મળ્યા હતા. જ્યારે તેના આઇએમઇઆઇ નંબર પરથી તપાસ કરતા ૨૪ સીમકાર્ડ પર વાતચીત થઈ હતી. જે જીયો કંપનીના છે, એટલે અમે જીયોને લેટર લખી કહ્યું છે કે આ કાર્ડ પર જેલમાંથી વાતચીત થઈ રહી હોવાથી આ સીમકાર્ડ બંધ કરો. જેથી કંપનીએ આ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને લખ્યું છે. ચાર ફોનમાંથી ૨૪ નંબર આઈડેન્ટીફાય થયા હતા કે, આ નંબરો પર વાતચીત થઈ છે. ફોન કરવા માટે સલીમ જર્દા મહિના માટે લગભગ રૂ.૫૦૦૦ જેટલો ચાર્જ લેતો હતો. માત્ર એટલું જ નહીં, આ પૈસા તે પોતાના સગાના બેંક એકાઉન્ટમાં જમા કરાવડાવતો હતો. તેની સાથે અશોક નામનો એક અન્ય આરોપી હતો. બન્ને મળીને આ આખું કોલ સેન્ટર કૌભાંડ ચલાવતા હતા.

               જેલમાં મોબાઈલ કેવી રીતે પહોંચ્યો તે અંગેની વિગતો પણ રસપ્રદ છે. આજીવન કેદની સજા પામેલા કેદીએ કુલ સજાના સાત વર્ષની સજા કાપી હોય તેવા કેદીઓને જેલ સત્તાવાળાઓ સાફ સફાઈ અને વિવિધ ગૃહ ઉદ્યોગને લગતા કામ સોંપે છે જેથી તેની બહાર આવ જા રહે છે. આ કેદીઓનો ડ્રેસ કોડ પણ જુદો હોય છે. આ કેદીને પીળી ટોપી, સફેદ સદરો અને પીળો લેંઘો પહેરાવવામાં આવે છે. રાજપીપળાના હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અશોક ઘેલા વસાવાએ ૭ વર્ષની સજા કાપી લીધી હોવાથી તેને એક વર્ષ પૂર્વે સાફ સફાઈનું કામ સોંપાયું હતુ. જેથી અશોક જેલની બહાર આવ જા કરતો હોવાથી સલીમ જર્દાએ અશોક સાથે મિત્રતા કરી હતી. અન્ય આરોપી શોએબ અબ્દુલ રઝાક સમોલ (ઉ.વ.૩૦) (રહે, મુસ્લિમ સોસાયટી, વિજલપુર રોડ, ગોધરા) એક વર્ષ પૂર્વે સીમકાર્ડ સાથેનો મોબાઈલ ફોન લઈ જેલ કમ્પાઉન્ડમાં છુપાઈનો ઉભો હતો.

             જ્યાં અશોક વસાવા શોએબને મળ્યો, શોએબે અશોકના પગના ઢીંચણના નીચેના ભાગમાં દોરીથી મોબાઈલ ફોન બાંધ્યો હતો અને નક્કી થયાં મુજબ રૂ. ૨ હજાર આપ્યા હતા. અશોક વસાવા પગમાં મોબાઈલ બાંધેલી હાલતમાં જેલના મેઈન ગેટ પાસે પહોંચ્યો હતો. અશોક જેવા કેદીઓ દિવસમાં અનેક વખત જેલમાંથી આવ જા કરતાં હોવાથી મેઈન ગેટ પરનો સિપાહી માત્ર કરવા ખાતર જ ચેકીંગ કરતા હોય છે. અશોક મેઈન ગેટ ક્રોસ કરીને બેરેક સુધી પહોંચી ગયો હતો અને સલીમને ફોન આપ્યો હતો. જેને પગલે અશોક વસાવાના પગમાં દોરી સાથે મોબાઈલ ફોન બાંધી આપનાર શોએબ અબ્દુલ રઝાક સમોલ ધરપકડ કરી હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે. જે. પટેલે જણાવ્યું કે, કેદીઓએ સલીમ જર્દા પાસેથી મોબાઈલ મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી. તેમજ જેલના શંકાસ્પદ પોલીસ જવાનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં કેદીઓ ક્યારે ફોન કરતા હતા અને કેટલો સમય વાત કરતા હતા તે અંગે તપાસ ચાલી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ સલીમ જર્દાની બીજા ચાર ગુનામાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાશે.

(9:22 pm IST)