Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

સુરત કાપડ બજારનો કરોડોની ચોરીનો મોટા ષડ્યંત્રનો પર્દાફાશ :મુખ્ય આરોપી સહીત છ લોકોની ધરપકડ

છેલ્લા પાંચ દિવસથી વેપારીઓના હોબાળા અને વિરોધ: સીસીટીવી ફુટેજમાં ચોંકાવનારો મામલો ખુલ્યો :મોડ્સ ઓપરેંડી બહાર આવી

સુરત: સુરતના કાપડ બજારમાં આવેલી દુકાનોમાંથી કરોડોના કાપડની ચોરીની ઘટનામાં મોટા ષડ્યંત્રનો ખુલાસો થયો છે માર્કેટમાંથી કરોડો રૂપિયા કાપડની ચોરી બાદ છેલ્લા પાંચ દિવસના વેપારીઓના હોબાળા અને વિરોધને પગલે આખરે  સલાબતપુરા પોલીસે કાપડ ચોરીના મુખ્ય આરોપી સહિત છ લોકોની ધરપકડ કરી અંદાજે દોઢ કરોડનો કાપડનો જથ્થો પણ જપ્ત કર્યો છે.

 આ અંગેની વિગત મુજબ સુરતના રીંગ રોડ વિસ્તારમાં આવેલી એશિયાની સૌથી મોટી ગણાતી રાધાકૃષ્ણ ટેકસટાઇલ માર્કેટમાં પાંચ દિવસ અગાઉ એક દુકાનમાંથી કાપડ ચોરીની ઘટના સામે આવી હતી, જોકે પહેલા આ ઘટનાને સામાન્ય લાગી હતી પરતું, જ્યારે ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા તો ખુબ મોટું ષડ્યંત્ર ચાલુ હોવાનો ખુલાસો થયો હતો. આરકેટી માર્કેટમાં દુકાન નંબર 2768 થી 2771નાં માલિક આશિષ રાઠી છે. ઉષા ફેશન નામથી તેઓ ધંધો કરે છે. એક ગત શનિવારે તેમને પોતાની દુકાનમાં કાપડના જથ્થાની ગણતરી કરી હતી, જોકે સોમવારે જ્યારે તેમને ફરીથી ગણતરી કરી ત્યારે કાપડનો ઘટ્યો હોવાનું સામે આવ્યું હતું. 

  મુખ્ય આરોપી રામ મોઢવાડિયાને 2006થી આરકેટી માર્કેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે સિક્યુરિટી એજન્સી તરફથી મુકવામાં આવ્યો હતો. દરમિયાન રામ મોઢવાડિયાની આર્થિક સ્થિતિ છેલ્લા ચાર મહિનાથી સારી ન હતી, તેથી તેને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો, જેમાં જે દુકાનોમાં શનિવારે સાંજે વધારે પ્રમાણમાં કાપડનો જથ્થો રાખવામાં આવતો હોય તેવી દુકાનોની રેકી કરવામાં આવતી હતી. રવિવારે રામ મોઢવાડિયા માર્કેટમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે અન્ય આરોપીઓ જે દુકાનમાં ચોરી કરવાની હોય તેના તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવી દુકાનમાં પ્રવેશી કાપડ અને ગેટપાસની ચોરી કરતા હતા. ચોરી કર્યા બાદ કાપડને માર્કેટની સીડી નીચે અથવા તો ગોદાઉનમાં સંતાડી દેતા હતા. ત્રીજે દિવસે એટલે કે સોમવારે ચોરી કરેલા ગેટપાસનો ઉપયોગ કરી ચોરી કરલો માલ લિંબાયત વિસ્તારમાં બનાવેલા ગોડાઉનમાં મોકલી આપતા હતા, અને બાદમાં સુરતથી મેરઠ કાપડ મોકલી વેચી દેતા હતા.

(12:01 am IST)