Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ઉત્તરાયણ : શહેરમાં આજે ચારે બાજુ કાપ્યો-લપેટની ધૂમ દેખાશે

પતંગબાજો ઉત્તરાયણને લઇને પહેલાથી જ તૈયાર થયા છે : જુદા જુદા પ્રકારના રંગબેરંગી આકર્ષક પતંગોથી આકાશ ભરાશે : ધાબાઓ ભરચક દેખાશે : નાસ્તાની જુદી જુદી વેરાઈટી પણ તહેવારને રોચક બનાવશે

અમદાવાદ, તા.૧૩ : પતંગના રસિયાઓ અને સામાન્ય લોકો પણ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હોય છે તે ઉત્તરાયણની આવતીકાલે શાનદાર અને પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવનાર છે. આવતીકાલે ઉત્તરાયણના દિવસે  એ કાપ્યો.... લપેટની ધૂમ શહેરમાં ચારેબાજુ જોવા મળશે. નાના અને મોટા મકાનો તથા અન્યત્ર જગ્યાઓ પર નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી ભીડ જોવા મળશે. દરેક વયના લોકો મનમુકીને ઉત્તરાયણની ઉજવણી કરતા નજરે પડશે. આવતીકાલે તા.૧૪મી જાન્યુઆરી એટલે પતંગરસિયાઓ માટે મન ભરીને પતંગ ચગાવવાનો અને મોજ માણવાનો તહેવાર ઊતરાયણ. આવતીકાલે મકરસંક્રાતિ હોઇ સૂર્યનારાયણ દેવ પણ ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકરસંક્રાતિના પ્રારંભ સાથે જ આવતીકાલે ધનાર્ક કમૂર્હતાની પણ પૂર્ણાહુતિ થશે. ઊતરાયણના તહેવારને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે શનિવાર, રવિવારની એકસ્ટ્રા રજા જેવા માહોલ સાથે આવતીકાલે સોમવારે ઊત્તરાયણ અને મંગળવારે વાસી ઊત્તરાયણનો તહેવાર આવતો હોઇ પતંગરસિયાઓને પતંગનું પર્વ મનાવવા ચાર દિવસનું જાણે મીની વેકેશન માણવા મળ્યું છે, તેથી ચાર દિવસની રજાઓને લઇ આ વખથની ઊત્તરાયણનો ઉત્સાહભર્યો અનોખો માહોલ છવાયો છે. ઉત્સાહી પતંગરસિયાઓએ આવતીકાલે ઊતરાયણના તહેવારની મોજ માણવા ખાસ તૈયારીઓ પણ કરી છે અને મોડી સાંજથી જ ધાબાઓ, ટેરેસ અને છત પર મ્યુઝીક સીસ્ટમ, સ્પીકર્સ અને લાઉડ સ્પીકર ગોઠવી દીધા હતા. મ્યુઝીક, ડાન્સ, ડીજેના તાલ અને ગીતોની ધૂમ વચ્ચે ઊતરાયણની ધમાકેદાર ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. એટલું જ નહી, દિવસ દરમ્યાન પતંગ ચગાવ્યા બાદ રાતના અંધકારમાં સફેદ પતંગ, તુક્કલ ચગાવવાની મોજ માણવાનું પતંગરસિયાઓ બાકી રાખ્યું નથી. તો, રાત્રિના સમયે ધાબા-ટેરેસ પર લાઇટીંગ અને ડી.જે.મ્યુઝિકના તાલ વચ્ચે ફટાકડા અને આતશબાજીના આયોજનો પણ કરાયા છે, જેને લઇ રાતે દિવાળી જેવો માહોલ જામશે. ઊતરાયણના તહેવારને લઇ પતંગરસિયાઓએ મોડી રાત સુધી શહેરના વિવિધ  પતંગ-દોરી બજારોમાં ખરીદી કરી હતી, જેને લઇ પતંગ-દોરી બજારો મોડી રાત સુધી ધમધમ્યા હતા. છેલ્લા કેટલાક દિવસો સુધી સુસ્ત અને સૂના લાગતા બજારો છેલ્લા કલાકોની ખરીદીના કારણે માનવમહેરામણરૂપી કિડિયારાથી જાણે ઉભરાયા હતા. પતંગ-દોરીના બજારોમાં જોરદાર ઘરાકી, ભીડભાડ અને ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ સહિત રાજયભરમાં આવતીકાલે પતંગરસિયાઓની એ કાયપો છે...લપેટ..લપેટ...ની ચીચીયારીઓ અને બૂમો ગાજી ઉઠશે. જો કે, આજે પણ ઊતરાયણના તહેવારની અસલ ઉજવણી તો શહેરના કોટ વિસ્તારની પોળો અને સોલા રોડ પર હાઉંસીગના ફલેટોમાં જ જોવા મળતી હોય છે. આવતીકાલે ઊતરાયણ સોમવાર અને વાસી ઊત્તરાયણ મંગળવારે આવી છે પરંતુ આ વખતે તે પહેલાં શનિવાર અને રવિવારની એકસ્ટ્રા રજા મળતાં પતંગરસિયાઓને જાણે ચાર દિવસની જાણે ઊત્તરાયણ માણવા મળી હોઇ તેમની ખુશી અને ઉત્સાહનો કોઇ પાર નથી. ઉત્સાહી અને ઊતરાયણના શોખીન પતંગરસિયાઓએ તો ગઇકાલે શનિવારથી જ પતંગ ચગાવી ઊતરાણયની આગોતરી ઉજવણી શરૂ કરી દીધી હતી. તો આજે રવિવારની રજાને લઇ આકાશમાં પતંગોની ભારે ભીડ અને રંગેબરંગી દ્રશ્યો જોવા મળ્યા હતા. ઊતરાયણની ઉજવણીની ભરપૂર મોજ માણવા પતંગ ચગાવવાની સાથે સાથે મ્યુઝીક અને નાચ-ગાનની મજા માણવા સોસાયટીઓ, શેરીઓના અને પોળોના ધાબાઓ, ટેરેસ અને છત-છાપરા પર મોડી સાંજથી જ કેટલાક ઉત્સાહી પતગરસિયાઓએ તો પોતાના ટેપ, મ્યુઝિક સીસ્ટમ અને ડીજેના તાલની સીસ્ટમ ધાબાઓ પર ગોઠવી દીધી હતી અને મ્યુઝિક ચાલુ કરી દીધા હતા જેને લઇ ઊતરાયણનો જોરદાર ટેમ્પો-માહોલ જામ્યો છે. જો કે, આ વખતે દર વર્ષની સરખામણીએ પ્રમાણમાં ઓછા પતંગ આકાશમાં ચગતા જોવા મળતા હતા પરંતુ તહેવારને લઇ ઉત્સાહ દર વર્ષ જેવો જ જોવા મળતો હતો. એકબાજુ પતંગ રસિયાઓ છેલ્લી ઘડીની પતંગ-દોરી અને ગુંદરપટ્ટી, ટોટી સહિતની ખરીદીમાં વ્યસ્ત બન્યા હતા તો, ઘરની મહિલાઓ અને ગૃહિણીઓ પણ આવતીકાલની ઉંધિયા-જલેબીની જયાફતની તૈયારીમાં વ્યસ્ત બની હતી. ગૃહિણીઓએ તલ સાંકડી, મમરાના લાડુ, તલ-સીંગની ચીકી સહિતની અન્ય ચીજવસ્તુઓ પણ ઉજવણીના ભાગરૂપે તૈયાર કરી દીધી હતી. આવતીકાલના ઊતરાયણના તહેવારને લઇ શહેરના વિવિધ માર્ગો અને વિસ્તારોમાં પતંગ-દોરીના સ્ટોલ્સ, મંડપો અને શામિયાણા ઉપરાંત ટોપી, ગોગલ્સ, પીપૂડા સહિતની આકર્ષક અને અવનવી ચીજવસ્તુઓ લઇને ફેરિયાઓ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા હતા, જે ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને યંગસ્ટર્સનું ખાસ ધ્યાન ખેંચતા હતા. ઊત્તરાયણને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં નાના બાળકોથી લઇ અબાલ-વૃધ્ધ સૌકોઇમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ છવાયો છે.

સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર દિશામાં પ્રયાણ કરે છ

ઉત્તરાયણ શુભ મૂર્હુત તરીકે પણ છે

અમદાવાદ, તા.૧૩ : ઉત્તરાયણ તહેવારની ઉજવણી પાછળનું ખાસ કારણ એમ માનવામાં આવે છે કે સૂર્ય પોતે દક્ષિણથી ઉત્તર તરફ પ્રયાણ કરે છે અને આ સમયનો સૂર્યપ્રકાશ શરીર માટે ખુબ સારો સાબિત થાય છે. વિવિધ ધર્મોની માન્યતા જુદી જુદી રીતે આમાં જોડાયેલી છે. જ્યોતિષ શાસ્ત્રનું કહેવું છે કે સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થળાંતર કરે છે આ પ્રમાણે વર્ષમાં કુલ ૧૨ સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશીમાંથી મકર રાશીમાં સ્થળાંતર કરે છે ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે. કારણ કે આ સમય સૂર્ય પૃથ્વીની આજુ બાજુની પરિભ્રમણ દિશામાં પણ પરિભ્રમણ થાય છે. સૂર્ય ઉત્તર દિશા તરફ ખશે છે. સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મૂર્હુત તરીકે પણ જોવામાં આવે છે. જુદી જુદી સંસ્કૃતિઓમાં ઉત્તરાયણની ઉજવણી જુદી જુદી રીતે થાય છે.

(4:43 pm IST)