Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સાગર ડેરીમાં કામ કરતા કિશોરના મિક્સિંગ મશીનમાં હાથ આવી જતા મોત

અમદાવાદ: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ સાગર ડેરીમાં શુક્રવારે સાંજે મિક્સિંગ મશીનમાં હાથ આવી જતા એક કિશોર ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આજે સારવાર દરમિયાન મૃત જાહેર કર્યો છે, જેથી પોલીસે મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના રહેવાસી એવા ૧૬ વર્ષીય નિર્ભય રાજપુત લાંબા સમયથી નિકોલના ખોડીયારનગર વિસ્તારમાં આવેલ સાગર ડેરીમાં નોકરી કરતો હતો. તેમજ નોકરી પુરી થયા બાદ તે ડેરીમાં સુઈ જતો હતો. જોકે શુક્રવારે શિખંડ બનાવવા માટે નિર્ભય મિક્સિંગ મશીન પર કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક મિક્સિંગ મશીનમાં તેનો હાથ આવી જતા તેને ગંભીર ઈજા થઈ હતી, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ડોક્ટરોએ તેને બચાવવા તમામ પ્રયત્નો કર્યા હતા.

તેમ છતાં નિર્ભયને બચાવી શકાયો નહતો. ડોક્ટરોએ આજે વહેલી સવારે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર બાબતની જાણ થતા પોલીસે મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:18 am IST)