Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ગુજરાત સરકારનો પ્રયાસ રંગ લાવ્યોઃ દરિયાપાર રહેતા વિદેશી દંપત્તિ દ્વારા પણ ભારતના અનાથ બાળઇકોને દત્તક લેવાનો આગ્રહઃ ગોધરાની બાળગૃહની બાળાને USAના દંપત્તિએ દત્તક લીધી

પંચમહાલ :પ્રેમ અને પ્રેમાળ પરિવાર દરેક બાળકની જરૂરિયાત અને અધિકાર છે અને તે દિશામાં પ્રયાસો કરવા આપણી ફરજ છે. ગુજરાત સરકાર અનાથ બાળકોનું પુનઃસ્થાપન કરવાની આ દિશામાં કટિબદ્ધ બની છે અને પૂરતા પ્રયાસો કરી રહી છે, ત્યારે ગુજરાત સરકારનો પ્રયાસ રંગ લાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવે દરિયા પાર રહેતા વિદેશી દંપતીઓ પણ ભારતના અનાથ બાળકોને દત્તક લેવાનો આગ્રહ રાખે છે. ગોધરા શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં આવેલા બાળ ગૃહમાં ત્રણ વર્ષની બાળકી સ્તુતિને યુએસએના કેન્સાસ શહેરના દંપતી કેન્ટ હેકમેન અને બ્રુક હેકમેન દ્વારા દત્તક લેવામાં આવી હતી. ત્યાં માસુમ સ્તુતિ હવે નવા માતાપિતા સાથે વિદેશ જશે.

બે વર્ષ અગાઉ સ્તુતિ નામની બાળકી દાહોદ નજીકના ખેતરમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી અને ગોધરા ચિલ્ડ્રન હોમ લાવવામાં આવી. તેની મેડિકલ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, તેનો માનસિક અને શારીરિક વિકાસ તેની ઉંમરની તુલનામાં મંદ હતો. ચિલ્ડ્રન હોમમાં સતત સારવાર અને હૂંફને પરિણામે તે ચાલતા થઈ છે અને થોડાક શબ્દો બોલતા પણ શીખી છે તેવું ચાઈલ્ડ વેલફેર કમિટીના નીતિન શાહે જણાવ્યું.

ગોધરા ખાતે બાળ ગૃહમાં દત્તક લેનાર અમેરિકન દંપતિ પૈકી મહિલા બ્રુક હેકમેનની વાર્તા પણ હૃદયસ્પર્શી છે. બ્રુક હેકમેન પણ ૩૫ વર્ષ અગાઉ કોલકાત્તાના બાળ ગૃહમાંથી એક અમેરિકન પરિવાર દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. આ ઘટનાથી પ્રેરાઈને તેઓ હંમેશાથી એક બાળક દત્તક લઈ તેને પ્રેમ અને પરિવાર આપવાની ઈચ્છા ધરાવતા હતા. તેઓએ સ્તુતિને દત્તક લેવા સાથે પોતાની ઈચ્છઆ પૂરી કરી છે. પિતા કેન્ટ હેકમેને જણાવ્યું હતું કે, કારા નામની વેબસાઇટ પર બાળક દત્તક લેવા માટે નોંધણી કરાવ્યા બાદ વેબસાઈટ પર સ્તુતિનો ફોટો જોતાની સાથે તેમને અને પત્ની બ્રૂકને બાળકી સાથે વાત્સલ્ય અનુભવાયું હતું અને તેમણે તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેઓ બાળકીની લર્નિંગ ડિસએબિલીટીઝથી અવગત છે અને તેનો સારો વિકાસ થાય તે માટે શ્રેષ્ઠ થેરાપી અને શિક્ષકો ઉપલબ્ધ કરાવશે. અમેરિકન દંપતીને આ બાળકી જિલ્લા કલેક્ટર અમિત અરોરાના હસ્તે સોંપવામાં આવી હતી. બાળકીને અમેરિકન માતા પિતા મળતા બાળગૃહના તમામ લોકોના ખુશી જોવા મળી હતી.

(5:23 pm IST)