Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ધોળા દહાડે નડિયાદમાં ગ્રાહકના સ્વાંગમાં ગઠિયા લાખોનો સફાયો કરી ફરાર

નડિયાદ:  શહેરમાં ધોળા દહાડે ગ્રાહક બનીને આવેલા લુટારૂઓએ દુકાન માલિકની નજર ચૂકવી લાખો રૂપિયાની ઉંઠાતરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.દુકાનમાં ગ્રાહક બનીને આવેલ બે અજાણ્યા વ્યક્તિઓએ વિવિધ માલ-સામાનના ભાવની પૂછપરછ કરી ટેબલ નીચે પડેલી થેલીમાં રહેલા લાખો રૂપિયાની રોકડ લઇને ફરાર થઇ ગયા હતાનડિયાદ શહેરના વલ્લભનગર માં આવેલ રામેશ્વર મહાદેવ સામે આવેલ હરીઓમ એવન્યુમાં એક દુકાનમાં બપોરના સમયે ગ્રાહક બની બે વ્યક્તિઓ આવ્યા હતા.આ બંને વ્યક્તિઓએ દુકાનમાં આવી ફેવીકોલ અને હાર્ડવેર ખરીદવુ છે તેમ દુકાન માલિકને જણાવ્યુ હતુ.જેથી દુકાન માલિકે ફેવીકોલ અને હાર્ડવેરની વિવિધ વસ્તુઓના ભાવતાલ કહ્યા હતા.દુકાન માલિકે બતાવેલ ચીજવસ્તુઓમાંથી ગ્રાહક બનીને આવેલ બંને વ્યક્તિઓએ આશરે પાંચ થી સાત હજારનો માલ-સામાન અલગ કઢાવ્યો હતો.આ સમયે  દુકાન માલિક બાજુના આવેલ તેમના ગોડાઉનમાં માલ-સામાન લેવા માટે ગયા હતા. આ સમયે ઘરેથી બેંકમાં ભરવા માટે લઇ આવેલ બે મહિનાનો વકરો રૂા.૨,૨૫,૦૦૦ દુકાનમાં ટેબલ નીચે પડયો હતો.તેનો લાભ લઇ ગ્રાહક બનીને આવેલ બંને વ્યક્તિઓએ ટેબલ નીચે પડેલી કાળી થેલીમાંથી પૈસા લઇ દુકાનની બહાર મુકેલ ગાડીમાં બેસી ગયા હતા.આ સમયે દુકાનમાલિક બહાર આવતા તેમણે જણાવ્યુ હતુ કે માલ-સામાનના પૈસા લઇને આવીએ છીએ તેમ જણાવી બનાવ સ્થળે થી બંને વ્યક્તિઓ ગાડીમાં બેસીને જતા રહ્યા હતા.આ બાદ દુકાનમાલિકની નજર ટેબલ નીચે પડેલી કાળીથેલી પર પડતા તેમાં મુકેલ પૈસા ન હતા.આ બનાવ અંગે શૈલેષભાઇ ધીરલાલ પટેલ રહે,શ્રીજી દર્શન એપાર્ટમેન્ટ મંજીપૂરા નડિયાદે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:03 pm IST)