Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

પાણીપુરવઠા લાઇનમાં ગળતેશ્વરના વાડીનાથ પાસે ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયુ

ગળતેશ્વર: તાલુકાના વનોડા પાણીપુરવઠા લાઇનમાં વાડીનાથ પાસે ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયુ હતુ.ફીલ્ટર થયેલ પાણી રસ્તા પર રેલમછેલ થયુ હતુ. આ અંગે ગ્રામજનોએ રજૂઆત કરતા લાઇનમેને ઉધ્ધત જવાબ આપ્યો હોવાની બૂમ ઉઠી છે.વનોડા પાણી પુરવઠા યોજના હેઠળ દરેક ગામે ગામ ફીલ્ટર કરેલુ ચોખ્ખુ પાણી  લોકો સુધી પહોચાડવામાં આવે છે.સરકારની યોજના હેઠળ પાણીની પાઇપ લાઇનો નાખવામાં આવી હતી.જો કે ઘણા વર્ષોથી પાણીની પાઇપ લાઇનોની મરામત ન કરવામાં આવતી હોવાના કારણે ઠેર ઠેર પાણીની લાઇનો જર્જરીત બની છે.જે ગામોનુ પાણી પીવાલાયક ન હોય તેવા ગામોમાં ફીલ્ટર કરીને વનોડા જૂથ યોજના હેઠળ પાણી પહોચાડવામાં આવે છે.પાણીની પાઇપ લાઇનો જર્જરીત થવાના કારણે હજારો લીટર ફીલ્ટર કરેલ પાણીનો બગાડ થયો છે. કુણી ગ્રામ પંચાયતના પેટા ગામ વાડીનાથ ગામે વનોડા પાણી પુરવઠા યોજના હેઠળ પીવાનુ પાણી આવે છે.ગામમાં જ્યા થી પાણીની લાઇન પસાર થાય છે ત્યા થોરની વાડમાંથી નીકળીને વાડીનાથ ના રસ્તા પર પાણી ભરાઇ રહ્યા છે.જેથી ડામરના રસ્તા પર બે થી ત્રણ મહીનાથી એક જ જગ્યાએ પાણી ભરાઇ રહેવાના કારણે રસ્તા પર મોટા ગાબડા પડી ગયા છે.પીનાવી પાણીની લાઇનમાં અન્ય દુષિત પાણી આવી જવાની શક્યતાઓ રહેલી છે.તેમજ રોગચાળો ફેલાવાની શક્યતા ગ્રામજનો સેવી રહ્યા છે. ગળતેશ્વર તાલુકાના છેવાડા ગામ વનોડા પાણી પુરવઠા યોજનાની વાડીનાથ ગામ સુધીની પાણીની લાઇનો મરામત ન કરતા ઠેર ઠેર જર્જરીત થયેલ છે.પીવાના પાણીની લાઇનમાં પંચર પડવાના કારણે હજારો લીટર શુધ્ધ પાણીનો વેડાફાટ થાય છે.અને ફીલ્ટર કરેલ પાણી રસ્તા પર પ્રસરી રહ્યુ છે.રસ્તા પર પાણી ભરાવાના કારણે ડામરના રોડને નુકસાન થતુ હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે.

(5:02 pm IST)