Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

મહેસુલમાં ખાલી જગ્યાઓ તાકિદે પુરોઃ સિનીયોરીટીમાં અન્યાય દુર કરો

હજારો મહેસૂલી કર્મચારીઓનું મુખ્યમંત્રી સહિતનાને આવેદનઃ સચીવાલય ગજવ્યું: જબરા દેખાવો : ફિકસ પગારદારોને ઇજાફા આપોઃ સાતમા પગાર પંચના બાકી ભથ્થા કયારે ચુકવાશેઃ ૧૭ મુદઓ અંગે વિસ્તૃત રજુઆતો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧રઃ ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી તથા અન્યોને હડતાલ સંદર્ભે આવેદનપત્ર પાઠવી વિસ્તૃત ૧૭ માંગણીઓ અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, રેવન્યુ તલાટી સંવર્ગને મહેસુલ વિભાગમાંથી રદ કરીને પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરવા. સરકારના તા. ર૧/૦પ/ર૦૧૮ના હુકમથી કલાર્ક સંવર્ગના કર્મચારીને નાયબ મામલતદાર કક્ષામાંથી પ્રમોશન જિલ્લામાં જગ્યા ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવેલ છે. જેથી આવા કર્મચારીઓને મુળ મહેકમના જિલ્લામાં મુકવા.

વારંવાર સરકારશ્રીના મહેસુલ મંત્રીશ્રી અને વિભાગમાં લેખીત અને મૌખીક રજુઆત કરવા છતાંય મહેસુલી કર્મચારીઓની પડતર માંગણીઓ અન્વયે ઉદાસીનતા દાખવેલ છે. આ અગાઉ પણ સંદર્ભ-પ ના પત્રથી અમોએ પડતર પ્રશ્નો અન્વયે કાર્યક્રમ આપેલ હતો પરંતુ અધિક મુખ્ય સચિવશ્રી અમોને તમામ પ્રશ્નોનો નિકાલ કરવા અંગેની બાંહેધરી આપેલ હતી. પરંતુ તા. ર૬/૧૧/ર૦૧૯ સુધી એક પણ પ્રશ્નનો નિકાલ નહીં આવતા અમો તમામ જિલ્લાના પ્રમુખો સાથે મહેસુલ મંત્રીશ્રીને મળવા ગયેલ હતા અને તેઓશ્રીએ તમામની અવગણના કરી અને નકારાત્મક વલણ દાખવેલ. જેના કારણે અમોએ તમામ કર્મચારીઓએ તા. ર૭/૧ર/ર૦૧૯ થી વર્ક ટુ રૂલના કાર્યક્રમની જાણ કરેલ અને તેમ છતાં એક પણ પ્રશ્નનો નિકાલ ન થવાથી સમગ્ર ગુજરાતના પ્રમુખશ્રીઓ તા. ૦પ/૧ર/ર૦૧૯ના રોજ મીટીંગ કરવામાં આવેલ અને તા. ૦૯/૧ર/ર૦૧૯થી અચોકકસ મુદતની હડતાલ પર જવાનું નકકી કરવામાં આવેલ હતું.

આપનું મુખ્યમંત્રીનું ધ્યાન દોરતા જણાવવાનું કે, મહેસુલી કર્મચારીઓ દ્વારા મહેસુલી કામગીરી સિવાય તમામ પ્રકારની કામગીરી યોજનાઓનો અમલ અમારા દ્વારા કરવામાં આવેલ છે, જેવી કે, સમાજ સુરક્ષા, ખેડુત સહાય, ખેડુત વીમા યોજનાઓ, સેવાસેતુ, એકતા યાત્રાઓ, જલ યાત્રા, કૃષી રથ, જળ સંચય અભિયાન, વસ્તી ગણતરી, અને મહેસુલી રેકર્ડ ઓન-લાઇન કરવા માટેના પ્રોજેકટ રાતદીનના ઉજાગરા કરી એક માસમાં પૂર્ણ કરેલ તેમજ મતદાન યાદીની કામગીરી પૂર્ણ કરતા હોઇએ છીએ અને મહેસુલી કર્મચારીના પ્રશ્નો વંચાણે લેવામં આવે તો એક પણ પ્રશ્ન સરકારશ્રીને નાણાંકિય જોગવાઇ કરવાની કે વધારાનો ખર્ચ કરવાની નથી. તેમ છતાં વિભાગ દ્વારા અમારા હકકો આપવામાં આવતા નથી.

નાયબ માલતદારથી મામલતદારની સીનીયોરીટી યાદી તૈયાર કરવા માટેનો મુદે લેવામાં આવેલ છે. સરકારશ્રી કક્ષાએ તમામ વિભાગના કર્મચારીઓની સીનીયોરીટી યાદી ડેટ ઓફ એપોઇન્ટમેન્ટથી તૈયાર કરવામાં આવેછે. જયારે નાયબ મામલતદારની સીનીયોરીટી યાદી ડેટ ઓફ પ્રમોશનની તારીખ ધ્યાને લઇ તૈયાર કરવામાં આવેલ છે. જેના કારણોસર જે જિલ્લા નવીન અસ્તિત્વમાં આવેલ તે જિલ્લામાં નાયબ મામલતદારના પ્રમોશન ઝડપી મળેલ છે. જયારે જે જિલ્લાનું વિભાજન થયેલ નથી તે જિલ્લામાં પ્રમોશનો મોડા મળતાં સીનીયર કર્મચારીને ડેટ ઓફ પ્રમોશન ધ્યાને લેતાં સીનીયોરીટીમાં નુકશાન થયેલ છે. જેથી ડેટ પ્રમોશનના બદલે ડેટ ઓફ એપોઇન્ટમેન્ટ ધ્યાને લઇ સીનીયોરીટી તૈયાર કરવામાં આવે.

તા. ૧૮-૧-૧૭ના ઠરાવથી પ-વર્ષની ફીકસ પગારની નોકરી ગણવા નિર્ણય થયેલ છે. પરંતુ તેના ઇજાફા આપવામાં આવેલ નથી. જેથી ફીકસ પગારમાં નોકરી કરેલ કર્મચારીઓને પાંચ નેશનલ ઇજાફા આપવા.

સાતમાં પગાર પંચ મુજબ બાકી રહેલ ભથ્થા જેવા કે એચ.આર.એ. મેડીકલ ભથ્થા તાત્કાલીક અસરથી તા. ૧/૧/૧૬ની અસરથી ચુકવવા અંગે.

હાઇકોર્ટમાં ફીકસ પગાર નિતિ રદ કરવા આપેલ ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં કરેલ પીટીશન પરત ખેંચવા વિકલ્પેઢ હાલના સમયથી ફીકસ પગારની નિતિ રદ કરવામાં આવે અને એરીયસની ચુકવણી સુપ્રિમ કોર્ટના નિર્ણયને આધિન રાખવામાં આવે. આમ રાજય કક્ષાએ અંદાજીત ર૪૦૦ જેટલી નાયબ મામલતદારની જગ્યાઓ ખાલી છે. જે બાબત વહીવટી વિટંબણા રાજે છે. ઉપરોકત મુંદ્રાઓ પરત્વે સરકારશ્રી દ્વારા હકારાત્મક અને ઝડપી નિર્ણય લેવામાં આવે તો મહેસુલી વહીવટી કામગીરીને વધુ સુચારૂ બનાવી શકાય તેમ છે. તેમજ મહેસુલી કર્મચારીઓના પ્રશ્નો સુખદ નિરાકરણ આવે તો તેમના મનોબળ અને ઉત્સાહમાં વધારો કામગીરીને વધુ વેગવંતી બનાવશે.

મહેસુલી હડતાલને કારણે કલેકટર કચેરીમાં ઘેરી અસરઃ હાલ તલાટીઓ તથા અન્ય સ્ટાફને કામની ફાળવણી

કલેકટર સહિત તમામ મહેસૂલી કચેરીઓમાં કર્મચારીઓની હડતાલની ગંભીર અસરઃ દરેક કચેરીઓમાં હાલ રેવન્યુ તલાટીઓ તથા અન્ય સ્ટાફ દ્વારા કામગીરી કરાય છે. મગફળી ખરીદીમાં હાલ કોઇ અસર નથી જરૂર પડયે તલાટીઓને મુકાશેઃ કલેકટરનો નિર્દેશ

(3:39 pm IST)