Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ઉંઝામાં લક્ષચંડી મહોત્સવમાં ધર્મગુરૂઓ-રાજકીય મહાનુભાવો હાજરી આપશે

જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી, અમિતભાઇ શાહ, વિજયભાઇ રૂપાણી સહિતના ૧૮થી રર દરમિયાન ઉપસ્થિત રહેશે * યજ્ઞ મહોત્સવ મારા જીવનની દિવ્ય-અવિસ્મરણીય અનુભૂતિ : મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરા

મોરબી, તા. ૧ર : ઉંઝા ખાતે તા. ૧ થી રર સુધી ચાલી રહેલ યજ્ઞ મહોત્સવમાં તા. ૧૮થી રર ડીસે. લક્ષચંડી યજ્ઞ યોજવા જઇ રહ્યો છે. ત્યારે ૪૦૦ વીઘામાં આયોજીત આ ભવ્ય અને દવિય આયોજનને લઇ દેશ-વિદેશના પાટીદાર સમાજ સહિત અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના ગામે ગામ આયોજનના પ્રચાર-પ્રસાર માટે ધાર્મિક-સામાજીક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને યજ્ઞના મુખ્ય દાતા-યજમાન ગોવિંદભાઇ ગણેશભાઇ વરમોરા (સનહાર્ટ ગ્રુપ) મોરબીવાળાના ધામધુમથી વાજતે ગાજતે સન્માન કરવામાં આવી રહ્યા છે.

વિશ્વના ૧ર૬ દેશોમાં વસતા કડવા પાટીદારોના કુળદેવી અને ઉંઝામાં બિરાજમાન માં ઉમિયાની આસ્થાની અભિવ્યકિતનો અવસર ૧૮થી રર ડીસેમ્બર દરમિયાન યોજવા જઇ રહ્યો છે. આ લક્ષ્યચંડી યજ્ઞમાં જગદ્ગુરૂ શંકરાચાર્ય, સ્વામિ સ્વરૂપાનંદજી સહિત ધર્મગુરૂઓ તેમજ કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી રૂપાણી સહિત અનેક રાજકીય મહાનુભાવો હાજરી આપશે.

તા. ૧૮મીએ સવારે ૭-૩૦ કલાકે ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ મણીભાઇ પટેલ (મમ્મીન હસ્તે ઉમિયાનગરમાં મંગળ પ્રવેશ અને દિપ પ્રાકટય કરી, યજ્ઞનો શુભારંભ સવારે ૮ કલાકે મુખ્ય યજમાન ગૌરીબા ગણેશભાઇ શિવાભાઇ પરિવારના હસ્તે કરાશે. સવારે ૯ કલાકે યોજાના ધર્મસભામાં જગદ્ગુરૂ શંકરાચાર્ય, સ્વામિ સ્વરૂપાનંદજી આર્શિવચન પાઠવશે. ઉમિયાનગર લક્ષચેકસ્પો તેમજ વિવિધ પેલેલિયનોનું ઉદ્ઘાટન સાંજના ૪ વાગ્યે કેન્દ્રીય મંત્રી પુરૂષતમભાઇ રૂપાલા, ઉપપ્રમુખમંત્રી નિતીનભાઇ પટેલ, જીતુભાઇ વાઘાણી દ્વારા કરવામાં આવશે.

લક્ષચડી મહાયજ્ઞ મહોત્સવનું ઉદ્ઘાટન તથા શ્રેષ્ઠી એવં દાતા જાહેર સન્માન સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજ પ વાગ્યે યોજાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હસ્તે થશે. રાત્રે ૮ વાગ્યે મલ્ટીમીડીયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

તા.૧૯ ગુરૂવારે સવારે ૯-૩૦ વાગ્યે, ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી ડો. ઉમાકાંતાનંદજી સરસ્વતીજી મહારાજ (હરિદ્વાર) તેમજ બપોરે ર-૩૦ કલાકે મોરારીબાપુ ધર્મસભામાં આર્શિવચન પાઠવશે. સાંજે પ વાગ્યે જાહેર સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા સહિત અન્ય મહાનુભાવો હાજરી આપશે.

તા. ર૦મીએ શુક્રવારે સવારે ૯-૩૦ કલાકે ૧૦૦૮ મહામંડલેશ્વર સાધ્વી આત્મચેતનાનંદગિરીજી (ગુડગાંવ, હરિયાણા) અને બપોરે ર-૩૦ કલાકે દીદી માં સાધ્વી ઋતંભરાજી ધર્મસભા સંબોધશે. સાંજે પ-૩૦ કલાકે રાજયપાલ આચાર્ય દેવવરતજીના અધ્યસ્થાને યોજાશે.

તા. ર૧ ને શનિવારે પૂ. મુકતાનંદજીબાપુ અને નિખિલેશ્વરાનંદજી ધર્મસભા સંબોધશે. સાંજે પ-૩૦ કલાકે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના અધ્યક્ષસ્થાને જાહેર સમારંભ યોજાશે.

તા. રર ને રવિવારે સવારે ૯-૩૦ વાગ્યે દંડી સ્વામી જગદ્ગુરૂ શંકરાચાર્ય મહાજના ઉતરાધિકારી સ્વામી સદાનંદ સરસ્વતીજી ધર્મસભા સંબોધશે. સાંજે પ-૩૦ કલાકે જાહેર સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યુ.પી.ના રાજયપાલ આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે.

દુનિયાભરમાં વસવાટ કરતા પાટીદારોમાં લક્ષચંડી યજ્ઞ મહોત્સવને લઇને અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ત્યારે યજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરા પરિવારના બાળકોથી માંડી તમામે તમામ પરિવારજનો મહોત્સવના અનેરા રંગે રંગાયા છે. માતા ઉમિયાજી અને યજ્ઞદેવતામય બન્યા છે. ત્યારે ગોવિંદભાઇ વરમોરાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે માતા ઉમિયાના અને પરિવારના વડીલોના આર્શિવાદથી અનેકાનેક સેવા, સામાજીક, ધાર્મિક કાર્યોમાં હું સદ્ભાગી બનવા પામ્યો છું, પરંતુ આ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનું આયોજન મારા જીવનની દિવ્ય-અવિસ્મરણીય અનુભૂતિ બની રહેશે.

(1:24 pm IST)