Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

હાઇકોર્ટ નારાજ શા માટે ? પોલીસના હાથ હેઠા પડવાનું આ છે રહસ્ય

સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ સ્વામી નિત્યાનંદમના આશ્રમના મામલો દિવસેને દિવસે રસપ્રદ બનવા સાથે રહસ્યમય બની રહયો છેઃ ખાસ તપાસ ટીમના અધ્યક્ષ કે.ટી.કામરીયા અકિલા સાથેની વાતચીતમાં ફોડ પાડતા જણાવે છે કે યુવતીઓ દ્વારા થતી વાતચીત વિદેશના ચોક્કસ પ્રકારના સોફટવેર મારફત થતી હોવાથી તેનું આઇપી એડ્રેસ શોધી શકાતુ ન હોવાથી પોલીસ માટે થોડુ મુશ્કેલીરૂપ બની રહયું છે

રાજકોટ, તા., ૧૨: સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર અમદાવાદના હાથીજણ  ગામ પાસેના હાલ લાપતા બનેલા નિત્યાનંદમના આશ્રમમાં બાળકો અને યુવતીઓના ગેરકાયદે કબ્જા તથા બે યુવતીઓ  લાપતા બન્યાની યુવતીઓના પિતા દ્વારા હાઇકોર્ટમાં થયેલી હેબીયસ કોર્પસ અરજી સંદર્ભે હાઇકોર્ટે બચાવ પક્ષ સામે આશ્ચર્ય વ્યકત કરતા એવું જણાવ્યું કે એ બંન્ને યુવતીઓ  વિદેશની એમ્બેસીમાં હાજર થવા તૈયાર છે  તો હાઇકોર્ટમાં હાજર થવામાં શું તકલીફ હોઇ શકે નિયમ મુજબ તેઓએ હાઇકોર્ટમાં હાજર થવું જ જોઇએ.

હાઇકોર્ટે એવું વલણ અખત્યાર કર્યુ હતું કે એ બંન્ને યુવતીઓને પુરતુ રક્ષણ આપવા  પોલીસે બાંહેધરી આપી છે તેવા સમયે યુવતીઓને હાજર ન કરવા માટે જે રજુઆતો થાય છે તે કોઇ પણ રીતે વ્યાજબી ન હોવા સાથે શંકાસ્પદ હાઇકોર્ટે ૧૯ તારીખ સુધીનો  સમય આપ્યો છે.

બીજી તરફ આ યુવતીની શોધખોળ તથા આશ્રમની સર્વાગી તપાસ ચલાવતી ટીમના અધ્યક્ષ અને સાણંદના વિભાગીય પોલીસ વડા કે.ટી.કામરીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે લાપતા યુવતીઓ અમેરીકા છે કે વેસ્ટ ઇન્ડીઝમાં તે જાણી શકાતુ નથી. તેઓએ જણાવેલ કે યુવતીઓ પોલીસ સાથે વાત કરે છે પરંતુ વિદેશના ચોક્કસ પ્રકારના સોફટવેરના ઉપયોગને કારણે તેનું આઇપી એડ્રેસ શોધી શકાતુ ન હોવાથી તેનો વિદેશમાંથી કબ્જો મેળવવા તકલીફરૂપ થઇ રહયું છે. દરમિયાન સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સ્વામી નિત્યાનંદમ સામે રેડ કોર્નર નોટીસ સહીતની કાર્યવાહી માટે સીઆઇડી ક્રાઇમની મદદ પણ અમદાવાદ ગ્રામ્ય પોલીસે મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. આમ સમગ્ર પ્રકરણ રસપ્રદ સાથે રહસ્યમય બની રહયું છે.

(12:02 pm IST)