Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ગાંધીનગરમાં મહેસૂલ કર્મચારી ઉમટી પડ્યાઃ વિશાળ રેલી

સચિવાલય સામે દેખાવો : હડતાલનો ચોથો દિ' : મુખ્યમંત્રીને આવેદન : લેખિતમાં નહીં આપે ત્યાં સુધી કોઇ મંત્રણા નહિઃ સાફ વાત..: રાજકોટથી આગેવાનો કિરીટસિંહ ઝાલા-હસમુખ પરસાણીયા, ગૌરાંગ ઓઝા સહિત ૧પ૦થી વધુ કર્મચારીઓ પહોંચ્યા : ધરણા-સૂત્રોચ્ચાર સહિત જબરા દેખાવો..

મહેસૂલ કર્મચારીઓની રેલીમાં રાજકોટથી ૧પ૦ થી વધુ કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે. રેલીની આગેવાની જ રાજકોટ મંડળે લીધી હતી. પ્રથમ તસ્વીરમાં રેલીમાં જોડાયેલા રાજકોટના કાલીયા-ઓઝા-પરસાણીયા-ટાંક-કોટડીયા-મૌલિકભાઇ વિગેરે નજરે પડે છે.

રાજકોટ, તા. ૧ર : સતત ૪ દિ'થી રાજકોટ સહિત રાજયભરમાં લડત ચલાવી રહેલા મહેસૂલ કર્મચારીઓએ આજે ગાંધીનગરમાં મોરચો માંડયો છે. ગાંધીનગરમાં સવારે ૯ વાગ્યાથી ધ-ર થી ૮ હજારથી વધુ કર્મચારીઓ ઉમટી પડયા છે અને ૧૦ વાગ્યાથી સચિવાલય સુધી વિશાળ રેલી યોજાઇ હતી. કર્મચારી એકતા ઝીંદાબાદ, તમામ માંગે પૂરી કરો, અપમાન સાંખી નહિ લેવાય સહિતના સૂત્રોચ્ચાર સાથે રેલીમાં કર્મચારીઓએ પોતાની તાકાત પ્રદર્શિત કરી હતી અને સચિવાલય ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને ડાયરેકટ આવેદન પાઠવ્યું હતું.

આ રેલીમાં રાજકોટથી આગેવાનો પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલા, ચીફ સપ્લાય ઇન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયા, ગૌરાંગ ઓઝા, સખીયા, કોટડીયા સહિત ૧પ૦થી વધુ કર્મચારીઓ જોડાયા છે. ધરણા સૂત્રોચ્ચાર સહિત જબરા દેખાવોથી ઘ-ર, વિસ્તાર ગાજી ઉઠયો હતો.

દરમિયાન હડતાલના આજે ચોથા દિવસે પણ અરજદારોને પારાવાર હાલાકી પડી હતી. કચેરીઓ સૂમસામ હતી, કામો અટકી પડયા હોય દેકારો મચી ગયો છે. કલેકટર કચેરીમાં સંખ્યાબંધ મીટીંગો રદ કરવાનો વારો આવ્યો છે.

કર્મચારીઓએ જણાવી દીધું હતું કે, સરકાર જયાં સુધી લેખિતમાં પ્રશ્નો ઉકેલ અંગે ખાત્રી ન આપે ત્યાં સુધી મંત્રણા માટે નહિ જવાય.

દરમિયાન ધ-ર થી સચિવાલય સુધી રેલી સંદર્ભે પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસના ધાડા ઉતરી દેવાયા છે.

(11:07 am IST)