Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

લોકસભાની ચૂંટણી જનતાના આશિર્વાદથી જીતીશું : ભરત પંડ્યા

મહિલા અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૨મીએ પહોંચશે : ગુજરાતમાં કોંગ્રેસને ક્યાંય હરખાવવા જેવું નથી : ભરત પંડ્યા આજે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠકમાં પરષોત્તમ રૂપાલા હાજરી આપશે

અમદાવાદ,તા.૧૨ : ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં જે તે રાજ્યોની જનતાએ આપેલ ચુકાદાને સર્વોપરી અને શિરોપરી માનીને ભાજપે નમ્રતાથી સ્વીકાર્યો છે. જે તે રાજ્યોમાં ભાજપ જનતાના સેવાકાર્યો કરતી હતી અને કરતી રહેશે. ભાજપનો કાર્યકર્તા દેવદુર્લભ અને પરીશ્રમી હોય છે. ઘણાં ચડાવ-ઉતાર જોયાં છે. તે કયારેય હતાશ થતો નથી. દરેક પરિસ્થિતિનો મક્કમ મન સાથે સામનો કરતો આવ્યો છે. શ્રદ્ધેય અટલજીની પંકિતમાં કહીએ તો... "કયા જીત મેં, કયા હાર મેં, કિંચીત નહીં હૈ, ભયભીત મેં, કર્તવ્યપથ પર જો ભી મિલા યહ ભી સહી, વો ભી સહી.. પંડયાએ કોંગ્રેસના અમિત ચાવડા અને અન્ય નેતાઓને જવાબ આપતાં જણાવ્યું હતું કે,કેન્દ્રમાં ભાજપ સરકાર છે અને દેશનાં ૧૭ રાજયોમાં ભાજપની સરકાર છે અને દેશહિત-જનહિતને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યાં છીએ. જ્યાં પણ કચાશ લાગશે ત્યાં આત્મચિંતન કરીને વધુ ઉત્સાહથી જનસેવાના કાર્યો કરીશું. કોંગ્રેસે ત્યાં જે વચનો આપ્યાં હોય તે પૂર્ણ કરે તેવી શુભેચ્છા.પરંતુ ગુજરાતમાં કોંગ્રેસને કયાંય "હરખાવા" જેવું નથી. કારણ કે કોંગ્રેસે બધાં સમાજમાં, બધાં વર્ગમાં સળગાવવાનું કામ કર્યુ છે. કોંગ્રેસની વેરઝેર, અશાંતિ, હિંસા ફેલાવવાના પ્રયાસો ગુજરાતની જનતા કયારેય સ્વીકારવાની નથી. એટલે જ જનતાએ ભાજપને સતત છઠ્ઠીવાર સેવાના સુત્રો આપ્યાં છે. ભરત પંડયાએ કાર્યક્રમોની માહિતી આપતાં જણાવ્યું હતું , ભાજપની કેન્દ્રીય યોજના મુજબ તમામ વિવિધ  રાષ્ટ્રીય મોરચાઓના રાષ્ટ્રીય સંમેલનો અલગ અલગ રાજ્યોમાં યોજાનાર છે. તેના સંદર્ભમાં મહિલા મોરચાનું રાષ્ટ્રીય મહિલા અધિવેશન તા.૨૧-૨૨ ડિસેમ્બરના રોજ ત્રિમંદિર, અડાલજ, જિ.ગાંધીનગર ખાતે યોજાનાર છે. તેમાં તા.૨૨ ડિસેમ્બરના રોજ સાંજે ૦૪.૦૦ કલાકે ગુજરાતના સપૂત અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અધિવેશનમાં ઉપસ્થિત રહીને સમાપન માર્ગદર્શન આપશે. તા.૧૩ ડિસેમ્બરના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રીય પદાધિકારી તેમજ દરેક મોરચાના પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી બેઠકમાં ભાગ લેવા ગુજરાતમાંથી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલા, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સંગઠન પ્રદેશ મહામંત્રી ભીખુ દલસાણિયા દિલ્હી જશે. તારીખ ૧૬ ડિસેમ્બરના રોજ શ્રી કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ હોદ્દેદારો, જીલ્લા પ્રભારી, લોકસભા ઈન્ચાર્જ, જીલ્લા પ્રમુખ, જીલ્લા મહામંત્રીની એક બેઠક મળશે. તેમાં સંગઠનાત્મક અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

 

(8:44 pm IST)