Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ખેડા જિલ્લામાં પાંચ બુટલેગર વોરંટ જાહેર થતા તેની ધરપકડ કરાઈ: વિવિધ જેલમાં મોકલી કડક કાર્યવાહીની માંગણી

ખેડા: જિલ્લા કલેક્ટરે પાસાનો કોરડો વિંઝતા વિદેશી દારૂના ગુનામાં પકડાયેલા પાંચ બુટલેગરોની વિરૂધ્ધ પાસાના વોરંટો ઈસ્યુ કરતાં પોલીસે તેઓને ઝડપી પાડીને પાસા હેઠળ વિવિધ જેલોમાં મોકલી આપતાં બુટલેગરોમોં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ખેડા તાલુકાના નાયકા (નવાગામ) સીમમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેમાં સંડોવાયેલા દર્શનભાઈ ભગવાનભાઈ વાળા તથા પલ્કેશભાઈ અરવિંદભાઈ પટેલ (બંને રે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, ખોખરા, મણીનગર, અમદાવાદ) સામે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ બંને આરોપીઓની એલસીબી ખેડા પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટરને મોકલી આપી હતી. જેને ધ્યાનમાં લઈ કલેક્ટરે પાસા દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ ઈસ્યુ કરતા એલસીબી ખેડા પોલીસે આરોપીઓને પાસા વોરંટની બજવણી કરી અટક કરી હતી. બાદમાં આ આરોપીઓ પૈકી દર્શનભાઈ ભગવાનભાઈ વાળાને રાજકોટ જિલ્લા જેલમાં જ્યારે પલ્કેશભાઈ અરવિંદભાઈ પટેલને પાસા હેઠળ જિલ્લા જેલ અમરેલીમાં મોકલી આપ્યા હતા.
જ્યારે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા અમિતભાઈ મહેશભાઈ પરમાર (રે. ભાવનગર) રોહિત ઉર્ફે મોન્ટી હરીશચંદ્ર નાગપાલ (રે. ગોવાણા, હરીયાણા) તથા ઈમરાન ઉર્ફે પરપર ગનીભાઈ (રે. ભાવનગર)ની પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસ અધિક્ષકે કલેક્ટરને મોકલી આપી હતી. આ દરખાસ્ત મંજૂર કરી કલેક્ટરે ત્રણે આરોપીઓના પાસા વોરંટ ઈશ્યુ કર્યા હતા. જેથી નડિયાદ રૂરલ પોલીસે આ ત્રણે બુટલેગરોની અટક અમિત પરમારને પાલનપુર જિલ્લા જેલ, રોહિત ઉર્ફે મોન્ટી નાગપાલને સુરત જિલ્લા જેલ જ્યારે ઈમરાન ચૂકેસરાને ભૂજ જિલ્લાની જેલમાં મોકલી આપ્યા હતા.

(6:15 pm IST)