Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

અમદાવાદમાં સર ચીનુભાઇ બેરનિટની ્‌રતિમાના સમારકામ માટે સંરક્ષણ એક્‍સપર્ટને બોલાવાયા

અમદાવાદ: ભદ્ર પ્લાઝામાં આવેલી સર ચીનુભાઈ માધવલાલ રણછોડલાલ બૅરનિટની પ્રતિમાના સમારકામ માટે સંરક્ષણ એક્સપર્ટને બોલાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો દાવો છે કે પ્રતિમાના સમારકામ માટે શહેરના બે એક્સપર્ટની સાથે મુંબઈથી પણ નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. એક્સપર્ટની ટીમે સોમવારે પ્રતિમાના સમારકામ માટે સ્થળની મુલાકાત લીધી. સીનિયર AMC અધિકારીએ કહ્યું, “સપાટી પરથી પ્રતિમા તૂટી છે અને કેટલીક જગ્યાએ ઊંડી તિરાડો પડી છે.”

દાનવીર હતા સર ચીનુભાઈ

સર ચીનુભાઈ બૅરનિટ દાનવીર હતા. 1915માં તેમણે મહાત્મા ગાંધીને અમદાવાદમાં રહેવા માટે મનાવ્યા હતા અને પૂરતી મદદ કરવાની ખાતરી આપી હતી. 21 સપ્ટેમ્બર, 1933માં સર ચીનુભાઈના નિધન બાદ તેમની યાદમાં ગાંધીજીએ આ પ્રતિમાનું ભદ્ર પ્લાઝા ખાતે અનાવરણ કર્યું હતું. ચીનુભાઈ બૅરનિટની યાદમાં સ્પીચ આપતી વખતે બાપુ ઉદાસ થઈ ગયા હતા. અમદાવાદમાં બાપુની પ્રથમ તસવીર 1 ફેબ્રુઆરી 1915ના રોજ સર ચીનુભાઈ બૅરનિટ સાથે હતી.

અસામાજિક તત્વોએ પ્રતિમા સાથે કરી છેડછાડ

નાયબ મ્યુનિસિપલ કમિશ્નર રાકેશ શંકરે કહ્યું, “થોડા મહિના પહેલા પ્રતિમાની આસપાસ રેલિંગ લગાવવામાં આવી છે. પ્રતિમાને પુનઃસ્થાપિત કરવા માટે અમે સંરક્ષણમાં શ્રેષ્ઠ ગણાતા લોકોનો સંપર્ક કર્યો છે.” AMCના મધ્ય ઝોન વોર્ડના વરિષ્ઠ અધિકારીએ કહ્યું, કેટલાક ડ્રગ્સ એડિક્ટે સ્ટેચ્યૂના પર શાહી અને રંગ ફેંક્યો હતો. અમે અપરાધીને શોધી રહ્યા છે. કારંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પરિવારે પ્રતિમાના સમારકામ માટે રજૂઆત કરી

ચીનુભાઈ બૅરનિટના પરિવારના સભ્યોએ AMCનો સંપર્ક કરીને મૂર્તિને પુનઃસ્થાપિત કરવા માટે રજૂઆત કરી હતી. અન્ય એક સીનિયર AMC અધિકારીએ ધ્યાન દોરતાં જણાવ્યું કે, જ્યાં સુધી ભદ્ર પ્લાઝામાંથી અસામાજિક તત્વોને દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતિમાને સાચવી નહીં શકાય. ભદ્ર પ્લાઝાનો પ્રોજેક્ટ 75 કરોડના ખર્ચે 2018માં પ્રીત્ઝકર આર્કિટેક્ચર પ્રાઈઝ વિનર બી. વી. દોશીએ ડિઝાઈન કર્યો છે.

(4:53 pm IST)