Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મહેસાણા જિલ્લામાં પોક્સો કેસના અમદાવાદના આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

વિજાપુરના લાડોલ પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ થયા અંગેની ફરિયાદ નોંધાઇ હતી

મહેસાણા જિલ્લામાં પોક્સો કેસના એક આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. 2019માં મહેસાણાના વિજાપુરના લાડોલ પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ થયા અંગેની ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં કોર્ટે આરોપીને સજા ફટકારી છે

વર્ષ 2019માં મહેસાણાના વિજાપુરના લાડોલ પોલીસ મથકે એક 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ થયુ હોવાની તેના પરિવારે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં 32 વર્ષના આરોપીએ 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પીડિતાનો પરિવાર 2019થી ન્યાય માટે વલખા મારી રહ્યો હતો. ફરિયાદ નોંધાવ્યા પછી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેનો ચુકાદો અંતે આજે આવ્યો છે.

કોર્ટે આરોપીને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. સજા સાથે કોર્ટે આરોપીને 7 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે આરોપીને ભોગ બનનારને 6 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ પણ આપ્યો છે.

આરોપી અમદાવાદના જૂના વાડજનો રહેવાસી છે. જેનું નામ મનિષ નાનકભાઈ શ્રીમાળી છે.

સરકારી વકીલ સી. બી .ચૌધરીની દલીલોને કોર્ટે માન્ય રાખી છે.અને આરોપીને અંતે 10 વર્ષની સજા ફટકારી છે. સ્પેશિયલ પૉક્સો જજ પી. એસ. સૈનીની કોર્ટે આ સજા ફટકારી છે.

(8:53 pm IST)