Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

કોંગ્રેસના ખાટલે મોટી ખોટ છે અને ખાલીખમ છે પરંતુ ભાજપ પાસે તો કાર્યકરોની ફોજ છે: સી.આર.પાટીલ

આવનાર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠક જીતવાનો રેકોર્ડ સર્જવા સૌ કાર્યકરોને હાંકલ કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ

અમદાવાદ :ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવા વર્ષની સૌને શુભકામના પાઠવી સંબોધન કરતા જણાવ્યુ કે, આખા ગુજરાતમાં આશરે 41 જિલ્લામાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં અત્યાર સુધીમાં થયેલા સ્નેહ મિલન કાર્યક્રમ કરતા નવસારીમાં સૌથી મોટી સંખ્યામાં અને ભવ્યાતિભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો છે.

સી.આર.પાટીલે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદી 2014માં જયારે વડાપ્રધાન બન્યા ત્યારે છેલ્લા 30 વર્ષ દરમિયાન કોંગ્રેસ દ્વારા ઘણા કામો ખાતમૂહર્ત કરીને મુકી રાખ્યા હતા અથવા કામો પૂર્ણ થયા ન હતા તેવા તમામ કામો મોદીએ ઝડપથી પૂર્ણ કર્યા છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસની સરકારમાં લોકોની જરૂરિયાતવાળા તમામ કામ અધુરા હતા તે પૂર્ણ કર્યા અને દેશના તમામ લોકોની જરૂરીયાત સમજી કામોને વધુ ઝડપથી પુરા કરાવ્યા છે. કોંગ્રેસે ફકત મત માટે વિકાસના કામોના ખાતમૂહર્ત કર્યા અને ભૂલી ગઇ હતી તેવા કામો ભાજપની સરકારે પૂર્ણ કર્યા છે.

પાટીલે વધુમાં જણાવ્યું કે, ભાજપની સરકારમાં ખેડૂતો ખુશ છે. બુલેટ ટ્રેનના કારણે ખેડૂતોની જમીન કપાતમાં જતી હતી પરંતુ ભાજપ સરકારે યોજના બનાવી અને ખેડૂતોને યોગ્ય વળતર અપાવ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર પ્રજાલક્ષી ઘણી યોજનાઓ લાવી છે અને અંદાજે 440થી વધુ યોજનાઓ છે. નમો એપ દ્વારા દરેક યોજનાઓ વિશે માહિતી લઇ જે તે લાભાર્થીને લાભ અપાવવા માટે કાર્યકરોને વિનંતી કરી હતી.

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સૌને વિશ્વાસ છે તે વિશ્વાસ ભાજપની તરફેણમાં મતદાનમાં પરિવર્તન થાય છે જેનું પરિણામ છે કે ભાજપની ચૂંટણીમાં જીત થાય છે. મોદીએ વર્ષોથી ગુજરાતને જે રીતે સાચવ્યું છે, જે રીતે વિકાસની દિશા આપી કાર્યો કર્યા છે તેના કારણે દરેક ગુજરાતીને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે ગત ચૂંટણીમાં નગરપાલિકામાં 94 કોર્પોરેટરનો વધારો કર્યો અને કુલ 31 જિલ્લા પંચાયત પર આપણે ભગવો લહેરાવ્યો 30 માંથી 26 જીલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ સિંગલ ડિજીટ પર રહી ગઇ છે.

નગરપાલિકામાં 81 માંથી 75 પર ભગવો લહેરાવ્યો છે અને તાલુકા પંચાયત 231 માંથી 205 જીત્યા છીએ. દરેક જીત માટે મારુ કોઇ યોગદાન નથી પરંતુ ભાજપના દરેક કાર્યકરે કરેલી મહેનત અને તાકાતને કારણે આ ભવ્ય પરિણામ મળ્યું છે અને નરેન્દ્ર મોદી પર લોકોનો વિશ્વાસ છે તે જાળવી રાખવાની આપણા સૌની જવાબદારી છે. આપણાંથી ભૂલથી પણ કોઇ ભૂલ ન થાય તેની ચિંતા કરવા દરેક કાર્યકરને હાંકલ કરી હતી.

સી.આર. પાટીલે શું તમે કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ હોય તેમ કયાંય સાંભળ્યું છે ? કોંગ્રેસમા હાલ તો એક સાંધે ને તેર તૂટે તેવી હાલત છે તેમ જણાવી કોંગ્રેસને આડે હાથે લીધી હતી. પેજ કમીટીને લઇને પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, પેલા લોકોને પેજ કમીટી અંગે જાણ ન હતી હવે પેજ કમીટી શું છે તે કોંગ્રેસ પણ સમજવા માગે છે પેજ કમીટી સમજવી સરળ છે પરંતુ કોંગ્રેસના ખાટલે મોટી ખોટ છે કોંગ્રેસ તો ખાલીખમ છે પરંતુ ભાજપ પાસે તો કાર્યકરોની ફોજ છે. અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠક જીતવાનો રેકોર્ડ સર્જવા સૌ કાર્યકરોને હાંકલ કરી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું કે આજ સુધી કોઇ દેશના વડાપ્રધાને તેમના યુવાનો પર વિશ્વાસ નથી મુકયો પરંતુ આપણા વડાપ્રધાન મોદીએ આપણા દેશના યુવાનો પર વિશ્વાસ મુક્યો અને બેંકોને જણાવ્યું કે યુવાનોના જામીન તે પોતે બનશે અને આપણા દેશના યુવાનો પર મને વિશ્વાસ છે તમે તેમને લોન આપો. જેથી આ દેશનો યુવાન આગળ વધે અને દેશનો યુવા આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વાર આત્મનિર્ભર યોજના બનાવવામાં આવી છે.

(8:49 pm IST)