Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સૌરાષ્‍ટ્રના દરિયા કિનારેથી ડ્રગ્‍સ ઝડપાયા બાદ હવે 73 કિ.મી. લાંબો દરિયાકિનારો ધરાવતા વલસાડ જીલ્લામાં પણ પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારી દેવાયુ

બોટ લઇને પેટ્રોલીંગઃ ફુટ પેટ્રોલીંગ અને વાહનોનું ચેકીંગ

વલસાડ :ગુજરાત રાજ્યમાં દરિયાઈ માર્ગે મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, ત્યારે દરિયાની સુરક્ષા માટે વલસાડ જિલ્લામાં પોલીસ સતર્ક બની છે. જિલ્લા દરિયા કિનારે પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ માછીમારો અને સ્થાનિક લોકોને પણ જાગૃત કરી દરિયાઈ સીમા ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. સાથે જ દરિયા કિનારાના વિસ્તારોમાં આવેલા લેન્ડિંગ પોઇન્ટ તથા શંકાસ્પદ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

રાજ્યના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા કારોબારનો ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું બહાર આવી રહ્યું છે. અત્યાર સુધી હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. બે દિવસ અગાઉ પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી 300 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. આથી રાજ્યની દરિયાઇ સીમા પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ત્યારે 70 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતા વલસાડ જિલ્લામાં પણ કિનારાના વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ વધી ગયું છે.

જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારામાં નારગોલ મરીન પોલીસ અને અન્ય સ્થાનિક પોલીસ દ્વારા કિનારા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 1993 માં વલસાડનો દરિયા કિનારો આરડીએક્સ લેન્ડીંગ પ્રકરણ મામલે પણ બદનામ થઈ ચૂકયો છે. ત્યારે રાજ્યની દરિયાઇ સીમામાં અતિ મહત્વનું સ્થાન ધરાવતા વલસાડ જિલ્લાની દરિયાઈ વિસ્તારની સુરક્ષા માટે વલસાડ જિલ્લા પોલીસ પાસે પુરતી સુવિધાઓનો હજુ પણ  અભાવ છે. જરૂર જણાય ત્યારે પોલીસ ભાડાની બોટ લઈને દરિયામાં પેટ્રોલિંગ કરે છે. બાકીના દિવસો દરમિયાન દરિયા કિનારા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ કરી અને દરિયાઈ સીમા પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના દરિયા કિનારા પર ઝડપાયેલા હજારો કરોડના ડ્રગ્સના રેકેટના પર્દાફાશ બાદ હવે વલસાડ પોલીસે પણ સતર્કતા વધારી છે.

વલસાડ પોલીસ દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. નારગોલ મરીન પોલીસની સાથે જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનો સતર્ક થઈ ગયા છે. જે તે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતી દરિયાઇ સીમામાં પોલીસના જવાનો દ્વારા વાહન પેટ્રોલિંગ અને ફુટ પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે અને જિલ્લાની દરિયાઈ સીમા પર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. 

(5:25 pm IST)