Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સુકા પવન ફૂંકાવા લાગશેઃ ૧૫મી બાદ ઠંડી ક્રમશઃ વધશે

ડીસેમ્બરમાં ઠંડીનો પારો ૧૦થી ૧૫ ડીગ્રી આસપાસ રહેશેઃ હાલ લઘુતમ તાપમાન ૧૭-૧૮ ડીગ્રી વચ્ચે જોવા મળશેઃ હવામાન ખાતુ

રાજકોટ,તા.૧૨: હાલમાં વ્હેલી સવારે અને મોડીરાત્રીના ઠંડીના ચમકારા અનુભવાઈ રહ્યા છે. આગામી સપ્તાહથી ઠંડીમાં ક્રમશઃ વધારો થતો જશે. સુકા પવન ફૂંકાશે.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં લઘુતમ તાપમાન હાલ ૧૭ થી ૧૮ ડીગ્રી આસપાસ જોવા મળે છે. વ્હેલી સવારના અને મોડીરાતથી ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. બપોરે આંશીક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આમ, હાલ મિશ્ર ઋતુ વર્તાય છે. જેના લીધે શર્દી ઉધરસના કેસોમાં ખાસ્સો વધારો થયો છે.

દરમિયાન રાજકોટ શહેરમાં આજે લઘુતમ તાપમાન ૧૭.૨ ડીગ્રી નોંધાયેલ છે. સવારે અને રાત્રીના ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. મોડીરાત્રીના પંખાઓ ધીમે ફરવા લાગ્યા છે. દિવસ દરમ્યાન પણ  એ.સી., પંખાની સ્પીડ ધીમી થઈ ગઈ છે.

હવામાન ખાતુ કહે છે કે હજુ ત્રણ- ચાર દિવસ આવું જ વાતાવરણ રહેશે. આવતા સપ્તાહથી ઠંડીમાં ક્રમશઃ વધારો થતો જોવા મળશે. આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં બરફવર્ષા પડશે. જેની અસરથી સૌરાષ્ટ્ર- ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર આવશે. ડીસેમ્બરના અંતિમ દિવસોમાં અને નવા વર્ષની શરૂઆતમાં ઠંડીનો સીંગલ ડીજીટમાં પહોંચી જશે.

(12:47 pm IST)