Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ગુજરાત ભાજપના ૩ મોટા ગજાના નેતાને પક્ષ સામે બળવો કરવાનું મોંઘુ પડયું : બળવાની કિંમત સસ્‍પેન્‍ડના રૂપમાં ચુકવવી પડી

ભાજપ દ્વારા તેજા પટેલ, કેશર ચૌધરી અને નટુ ચૌધરીની સામે કાર્યવાહી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

ગાંધીનગર : કોંગ્રેસની જેમ ભાજપમાં પણ વિખવાદ સામે આવી રહ્યો છે. સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર સામે પક્ષના કાર્યકર્તાએ જ મોરચો માંડ્યો હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. ત્યારે બનાસકાંઠામાં ભાજપના 3 નેતાના પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપના આ ત્રણ નેતાઓએ બનાસબેંકની ચૂંટણી મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ ત્રણેય નેતાઓને પક્ષના ઉમેદવાર વિરુદ્ધ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પક્ષે મેન્ડેટ આપ્યું ન હોવા છતાં પણ આ ત્રણેય નેતાઓ ભાજપના ઉમેદવારની સામે ચૂંટણી લડ્યા હતા. તેથી હવે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. ભાજપ દ્વારા જે ત્રણ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે ભાજપમાં મોટા હોદ્દા ધરાવતા હતા અને દિગ્ગજ નેતાઓમાં તેમના નામ લેવાતા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલે તેમને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે.

રિપોર્ટ અનુસાર બનાસકાંઠમાં બનાસબેંકની ચૂંટણીને લઇને હવે બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે. બનાસબેંકની ચૂંટણીને હવે ગણતરીના દિવસોની વાર છે. બનાસબેંકની ચૂંટણીમાં ભાજપ દ્વારા પક્ષના નેતાઓને ઉમેદવાર તરીકે મેન્ડેટ આપવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. છતાં પણ ભાજપમાં જ રહેલા કેટલાક મહત્ત્વકાંક્ષી નેતાઓએ ભાજપના ઉમેદવારની સામે જ પક્ષે મેન્ડેટ ન આપ્યુ હોવાથી ઉમેદવારી નોંધાવી છે. ભાજપ પ્રદેશ કિશાન મોરચાના ઉપાધ્યક્ષ તેજા પટેલ, વડગામ માર્કેટિંગયાર્ડના ચેરમેન કેશર ચૌધરી અને દાંતીવાડા ભાજપ પ્રમુખ નટુ ચૌધરીએ પક્ષના ઉમેદવારની સામે મેન્ડેટ ન હોવા છતાં પણ ઉમેદવારી નોંધાવી હતી.

તેથી પક્ષ દ્વારા આ ત્રણેય નેતાઓને ઉમેદવારી ન કરવાની સુચના આપવામાં આવી હતી. પણ ત્રણેયમાંથી એક પણ નેતાઓએ પાર્ટીની વાત ન મનતા ભાજપ દ્વારા તેજા પટેલ, કેશર ચૌધરી અને નટુ ચૌધરીની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાજપ દ્વારા ત્રણ દિગ્ગજ નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા બનાસકાંઠાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. મહત્ત્વની વાત છે કે, બનાસબેંક માત્ર બનાસકાંઠાની નહીં પણ ઉત્તર ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક ગણવામાં આવે છે. આ બેંકના ડિરેક્ટર બનવું તે ખૂબ મોટી વાત છે. આ બેંક 1 હજાર કરોડની ટર્ન ઓવર ધરાવે છે. તેથી તેને ડિરેક્ટર બનવા માટે ભાજપના નેતાઓ પક્ષના ઉમેદવારની સામે મેન્ડેટ વગર જ ઉમેદવારી નોંધાવી હતી. તેથી તેમની સામે પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

 

(10:00 pm IST)