Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

મિલેનિયલ્સ અન્ય ગ્રાહક કરતાં ધિરાણ પરત્વે વધારે સતર્ક છે

ટ્રાન્સયુનિયન સિબિલના અભ્યાસના તારણો : વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે નવું ક્રેડિટ કાર્ડ કે લોન લેતાં મિલેનિયલ્સની સંખ્યામાં કુલ ૫૮ ટકા સુધીનો વધારો થયો

અમદાવાદ,તા. ૧૨ : ટ્રાન્સયુનિયન સિબિલે તાજેતરમાં હાથ ધરેલા એક અભ્યાસમાં મહત્વનો ખુલાસો સામે આવ્યો કે, વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૧૮ વચ્ચે સેલ્ફ-મોનિટરિંગ ભારતીય મિલેનિયલ ૧ માં ૫૮ ટકા સુધીનો વધારો થયો હતો, ત્યારે ધિરાણ પ્રત્યેની સભાનતા ધરાવતાં નોન-મિલેનિયલ ગ્રાહકોમાં ફક્ત ૧૪ ટકાનો વધારો થયો હતો. તેમની ધિરાણ લેવાની ઊંચી ક્ષમતા હોવા છતાં અભ્યાસમાં જાણકારી મળી હતી કે, મિલેનિયલ દેશમાં ધિરાણ પ્રત્યે સજાગ કન્ઝ્યુમર સેગમેન્ટમાંનો એક છે. આ ધિરાણ પ્રત્યે સજાગ મિલેનિયલ પોતાનાં ક્રેડિટ સ્કોર પર નિયમિતપણે નજર રાખે છે અને સરેરાશ ૭૪૦ સિબિલ સ્કોર ધરાવે છે. જ્યારે ૫૧ ટકા સેલ્ફ-મોનિટરિંગ મિલિનિયલ મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાંથી છે, ત્યારે ૭૪૭નાં સરેરાશ સ્કોર સાથે ધિરાણ પ્રત્યે સતર્ક મિલેનિયલ્સમાં ગુજરાતનો રેન્ક ટોચ પર છે. ત્યારબાદ આ દ્રષ્ટિએ બીજું સ્થાન ૭૪૩નાં સ્કોર સાથે હરિયાણાનું અને ૭૪૨નાં સ્કોર સાથે ત્રીજું સ્થાન રાજસ્થાનનું છે.

                       યાદીમાં સૌથી નીચે ૭૩૪નાં સિબિલ સ્કોર સાથે દિલ્હીનું છે અને એની આગળ ૭૩૬ સિબિલ સ્કોર સાથે તમિલનાડુનું છે. અભ્યાસમાં જણાવ્યા મુજબ, સેલ્ફ-મોનીટરિંગ મિલેનિયલ્સ અનસીક્યોર્ડ ક્રેડિટ માટે પસંદગી ધરાવે છે, જેમાં આ કન્ઝ્યુમર સેગમેન્ટ દ્વારા તમામ લોનમાંથી ૭૨ ટકા લોનનો હિસ્સો ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન્સનો છે. સીક્યોર્ડ લોનમાં ટુ વ્હીલર લોન અને ઓટો લોનની સૌથી વધુ માગ છે, જે સંયુક્તપણે કુલ ધિરાણમાં ૯ ટકા પ્રદાન ધરાવે છે. મિલેનિયલની ધિરાણની વર્તણૂંક વિશે ટ્રાન્સયુનિયન સિબિલનાં ડાયરેક્ટ ટૂ કન્ઝ્યુમર ઇન્ટરેક્ટિવનાં વીપી અને હેડ સુજાતા આહલાવતે જણાવ્યું હતું કે, ભારતીય મિલેનિયલ્સ દ્વારા ધિરાણમાં સતર્કતા અને ધિરાણની સારી વર્તણૂંકમાં વધારાનાં ટ્રેન્ડને જોવા પ્રોત્સાહનજનક બાબત છે.

                  તેઓ તેમનાં નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા ધિરાણની તકોનો ઉપયોગ કરતાં હોવાથી તેમણે તેમનાં જીવનનાં પાછળનાં તબક્કાઓમાં લોનની સુલભતા નક્કી કરવામાં તેમનાં સિબિલ સ્કોરની ભૂમિકાથી વાકેફ થવું જોઈએ એ મહત્ત્વપૂર્ણ બાબત છે. એ જોવું રસપ્રદ બાબત પણ છે કે, ઘણાં ધિરાણકારોએ પ્રસ્તુત પ્રોડક્ટ ઓફર સાથે આ વર્ગ સુધી પહોંચવાની શરૂઆત કરી દીધી છે. ઘણાં મિલેનિયલ્સે તેમની ધિરાણની સફર શરૂ કરી હોવાથી તેમનાં સુધી પહોંચવાનો યોગ્ય સમય છે, જેથી ધિરાણકારોને તેમનાં ધિરાણનાં ચક્રમાં તેમની સાથે જોડાયેલા રહેવામાં મદદ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, મિલેનિયલ્સ તેમનાં સિબિલ સ્કોર અને રિપોર્ટને નિયમિતપણે ચકાસે છે.

સરેરાશ સેલ્ફ-મોનિટરિંગ મિલેનિયલ્સ તેમનો સિબિલ, રિપોર્ટ કે અપડેટ વર્ષમાં ૬ વાર જુએ છે. જ્યારે તેમાંથી ૬૪ ટકા લોકો તેમનો સ્કોર ચકાસ્યાં પછી ૩ મહિનાની અંદર ધિરાણ મેળવવા અરજી કરે છે, ત્યારે ૩૪ ટકા નવા ક્રેડિટ કાર્ડનો લાભ લે છે અથવા નવું લોન ખાતું ખોલાવે છે. હવે તેમને ધિરાણની પોઝિટિવ કામગીરી અને સિબિલનો ઊંચો સ્કોર ઊભો કરવા અને જાળવવાનું મહત્વ સમજાયું છે. આ ધિરાણ પ્રત્યેની સતર્કતા તેમને ઓછા વ્યાજ દરે ધિરાણની ઓફરનો લાભ લેવા સક્ષમ બનાવવામાં મદદરૂપ થશે, ત્યારે હોમ લોન જેવી મોટી લોન લેવા માટે અરજી કરવા સક્ષમ બનાવશે.

(9:05 pm IST)