News of Tuesday, 12th November 2019
અમદાવાદ, તા.૧૨ : અમદાવાદ શહેરમાં ડિજિટલ પેમેન્ટ દરમ્યાન એક યુવક સાથે છેતરામણીનો કિસ્સો સામે આવ્યો છે. વેબસાઈટ પર વેચવા મુકેલા આઇપેડના પૈસા ફોન પે નામની એપ્લિકેશનથી ટ્રાન્સફર કરવા જતાં પૈસા આવવાના બદલે રૂ. ૬૬ હજાર ડેબીટ થઈ જતા યુવકે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, યુવક દ્વારા ટ્રાન્ઝેકશન કરતી વખતે ભૂલ નહોતી કરીને તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના થલતેજના વેસ્ટંડ પાર્કમાં રહેતા દક્ષ સિંગ બિઝનેસ ઇન્ટેલીજન્ટ ડેવલપર તરીકે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દક્ષના મિત્ર જુગલ શાહે તેનું આઇપેડ વેચવા માટે ઓએલએક્સ પર મૂક્યું હતું. જેના માટે રાહુલ નામના વ્યક્તિનો આઇપેડ લેવા માટે ફોન આવ્યો હતો. રાહુલે આ આઇપેડ રૂ. ૧૫ હજારમાં લેવા માટે ફોન કરીને વાત કરી હતી.
બાદમાં આ રાહુલ નામના વ્યક્તિએ પેમેન્ટ ફોન પે થી કરશે તેવું જણાવ્યું હતું. પણ જુગલ પાસે ફોન પે ન હોવાથી તેણે દક્ષનું ફોન પે નંબર અને આઇડી આપ્યું હતું. બાદમાં રાહુલ નામના શખ્સે પેમેન્ટ મળે છે કે નહીં તે તપાસવા માટે પહેલા ૨૦ રૂપિયા ફોન પેથી મોકલ્યા હતા. જે ટ્રાન્ઝેક્શન સફળ રહેતા તેણે ૧૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા માટે મોકલ્યા હતા પણ તે ટ્રાન્ઝેક્શન થયું ન હતું. એવા છ વાર ટ્રાન્ઝેક્શન થયા હતા અને બાદમાં પાંચ હજાર ટ્રાન્સફર કર્યા અને બીજું એક હજારનું ટ્રાન્ઝેક્શન ક્યું હતું. આ રૂપિયા દક્ષના ખાતામાં આવવાના બદલે ડેબીટ થઇ ગયા હતા. જેથી તેણે પુરાવા ભેગા કરી તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને રૂ.૬૬ હજારની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ નોંધાવતા વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.