Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ટેકાના ભાવે ખરીદીની વાત વાસ્વતમાં ભ્રષ્ટાચાર યોજના

ભારતીય કિસાન સંઘના ગંભીર આક્ષેપો : કિસાન સંઘના અધ્યક્ષ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી, કૃષિપ્રધાન આર.સી ફળદુને પત્ર પાઠવી ઓનલાઇન ખરીદીની માંગણી કરાઇ

અમદાવાદ, તા.૧૨ : રાજયમાં હાલ કપાસ, મગફળી, ડાંગર સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે અને સૌરાષ્ટ્ર સહિતના માર્કેટયાર્ડ પર ખેડૂતો પોતાના પાકની ખરીદી થાય તે માટે લાઇનો લગાવી ઉમટી રહ્યા છે ત્યારે કેટલાક માર્કેટયાર્ડમાં નીચા ભાવ જતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે, બીજીબાજુ, ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ દ્વારા ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કરતાં જણાવાયું છે કે, રાજયમાં ટેકાના ભાવે ખરીદીની વાત વાસ્તવમાં ભ્રષ્ટાચારની યોજના છે. ભારતીય કિસાન સંઘે મગફળીની જેમ ડાંગર અને કપાસની પણ ઓનલાઈન ખરીદીની માગણી કરી છે. ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ વિઠ્ઠલભાઈ દુધાત્રાએ મામલે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને કૃષિ પ્રધાન આર.સી ફળદુને પત્ર લખ્યો છે અને ઉગ્ર માંગ કરી છે કે, સરકારે કપાસ અને ડાંગરની ખરીદી માટે સરકારે કેન્દ્રો ખોલવા જોઈએ. ઉપરાંત તેમણે સરકાર પર પ્રહાર પ્રહાર કરતા જણાવ્યુ કે, રાજ્યમાં ખેડૂત રામ ભરોસે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ખેડૂતોને ક્યારેય પાક વીમો મળ્યો નથી. રાજ્યની સરકાર મીડિયા અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે અને દિલ્હીમાં ગુજરાત સરકારની કોઈપણ વાત સાંભળવામાં આવતી નથી અને રાજ્યમાં ટેકાના ભાવે ખરીદીની યોજના ભ્રષ્ટાચારની યોજના છે. સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી પાકની ખરીદીની પ્રક્રિયા ઓનલાઇન કરી નાંખવી જોઇએ.

(8:35 pm IST)