Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

બુલેટ ટ્રેનની કામગીરીને વેગવંતી કરાશેઃ સુરતના ઓલપાડ, માંગરોળ, કામરેજ તાલુકાના ખેડૂતોને જંત્રીનો ભાવ ૭ ગણો આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાતા ખેડૂતોમાં ખુશાલીઃ કાલે સત્તાવાર જાહેરાત

સુરત :બુલેટ ટ્રેનની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે તેવા અણસાર જણાયા છે. સુરતના ઓલપાડ, માંગરોળ તથા કામરેજ તાલુકાના ખેડુતોને જંત્રીનો ભાવ સાત ગણો આપવાનુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામા આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 13 મી નવેમ્બરના રોજ મહેસુલ મંત્રી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામા આવશે.

                       અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને શરુઆતથી જ ગ્રહણ નડયું હતું. સુરત સહિત નવસારી અને મહારાષ્ટ્રના જમીન ગુમાવનારા ખેડૂતોએ વિરોધ દર્શાવી પોતાની જમીન આપવા ઈન્કાર કરી દીધો હતો. ઓલપાડ, કામરેજ અને માંગરોળના કેટલાક ખેડૂતોએ તો સરવેની કામગીરી પણ અટકાવી દીધી હતી. તેમજ ન્યાય માટે કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ અને માંગરોળ તાલુકાના ખેડૂતોની વાત કરીએ તો ગામોમા જંત્રીનો ભાવ રૂપિયા 100થી પણ ઓછી છે. જેને કારણે ખેડુતોને બજાર ભાવ કરતા ખુબ જ ઓછો ભાવ મળી રહ્યો હતો. જેને કારણે ખેડૂતો સખત વિરોધ નોંધાવી રહ્યા હતા.

                      આ દરમિયાન 100 રૂપિયાથી ઓછી જંત્રી ધરાવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે કલેક્ટર ડો. ધવલ પટેલની અધ્યક્ષતામા એક કમિટીની રચના કરવામા આવી હતી. આ કમિટીમાં જિલ્લા વિકાસ અધિકારી સભ્ય તરીકે સુરત સ્ટેમ્પ ડયૂટીના નાયબ કલેક્ટરની સભ્ય સચિવ તરીકે નિમણૂંક કરાઇ હતી. આ કમિટીએ ઓલપાડ, માંગરોળ અને કામરેજમા 100 થી ઓછી જંત્રી ધરાવતા આઠ ગામોમાં સરવે કર્યો હતો. સરવે બાદ 100થી ઓછી જંત્રી ભાવ ધરાવતા ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે 708 રૂપિયાનો ભાવ આપવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. જેને લઇને ખેડૂતોમાં હાલ ખુશીની લહેર જોવા મળી હતી. આ અંગે 13મી નવેમ્બરના રોજ મહેસૂલ મંત્રી સાથે બેઠક મળશે અને ત્યાર બાદ સત્તાવાર જાહેરાત કરાશે.

(5:10 pm IST)