Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

'વાંચે વિદ્યાર્થી' ગુજરાતમાં ૧૦૦ દિ'નું અભિયાન

દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં પ્રયોગઃ ગુરૂવારે મુખ્યમંત્રી પ્રારંભ કરાવશે :ધો. પ થી ૮ ના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ લેવડાવવા' ભાષાદીપ' આધારિત કાર્યક્રમ

રાજકોટ, તા., ૧રઃ ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર ઉંચુ લઇ જવા એક પછી એક પગલા લેવામાં આવી રહયા છે. ખુલતા વેકેશને તા.૧૪મીથી ગુજરાતી ભાષામાં વિદ્યાર્થીઓનું પ્રભુત્વ વધારવા ૧૦૦ દિવસના અભિયાનનો પ્રારંભ થઇ રહયો છે. ગાંધીનગરથી મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજયવ્યાપી વાંચન અભિયાનનો પ્રારંભ કરાવશે.

શિક્ષણ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ ભુતકાળમાં સરકાર દ્વારા વાંચે ગુજરાત અભિયાન ચલાવવામાં આવેલ તેના કરતા આ અભિયાન અલગ પ્રકારનું છે. ૧૦૦ દિવસ સુધી શાળામાં દરરોજ ૩ કલાક વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચનમાં તૈયાર કરવાનો કાર્યક્રમ થશે. અભ્યાસમાં હોશીયાર બનવા માટે ભાષાનું પુરતુ જ્ઞાન જરૂરી છે. વિદ્યાર્થી પોતાના ધોરણને અનુરૂપ ગુજરાતીનું વાંચન કરી શકે તેવું શીખવવામાં આવશે. પાઠય પુસ્તક  આધારિત ગુજરાતી ભાષાના વાંચન માટે વર્કબુક તૈયાર કરવામાં આવી છે તેને ભાષાદીપ નામ આપવામાં આવ્યું છે તે બુકની માર્ગદર્શીકા મુજબ રાજયમાં વાંચન અભિયાન ચલાવાશે. શિક્ષકો વિદ્યાર્થીઓ પર વ્યકિતગત ધ્યાન આપે તેવો પ્રયત્ન કરવામાં આવશે. ધો.૩ થી ૮ ના વિદ્યાર્થીઓ તુટક-તુટક વાંચનના બદલે અક્ષરથી અને શબ્દોને અને શબ્દોથી વાકયોને જોડીને અપેક્ષિત ઝડપે વાંચી શકે તે અભિયાનનો હેતુ છે.સરકારે શૈક્ષણિક સ્થિતીનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓમાં વાંચનની ક્ષમતા સુધારવાની જરૂરીયાત જણાતા રોજના ૩ કલાક લેખે ૧૦૦ દિવસના વાંચન અભિયાનનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.  દેશમાં આ પ્રકારનું અભિયાન શાળા કક્ષાએ પ્રથમ વખત થઇ રહયાનું શિક્ષણ વિભાગના સુત્રોનું કહેવું છે.

(4:11 pm IST)