Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સીટુના રાજ્‍યમંત્રી અરૂણ મહેતા ઉપરનો સચિવાલય પ્રવેશ પ્રતિબંધ તાકિદે હટાવો

રાજકોટ, તા. ૧૨ :. સેન્‍ટર ઓફ ઈન્‍ડિયન ટ્રેડ યુનિયન રાજકોટ એકમે મુખ્‍યમંત્રીને પત્ર પાઠવી સીટુના રાજ્‍યમંત્રી, ભાવનગર શહેરના માજી મેયર ગુજરાત શ્રમજીવી મંચના આગેવાન અરૂણ મહેતા ઉપર સચિવાલયમાં પ્રવેશ કરવા અંગેનો પ્રતિબંધ તાત્‍કાલિક અસરથી રદ્દ કરવા માંગણી કરી હતી.

પત્રમાં જણાવેલ કે, ગુજરાત શ્રમજીવી મંચનું પ્રતિનિધિ મંડળ રાજ્‍યના શ્રમમંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોરને મળવા સચિવાલય ગયુ હતું. સચિવાલય ગેટ નં. ૧ ઉપર ગેટ પાસ મેળવવા જતા માહિતી મળી કે પ્રતિનિધિના સભ્‍ય અરૂણ મહેતા કે જેઓ ગુજરાતના જાણીતા શ્રમજીવી આગેવાન છે તેમજ કેન્‍દ્રીય ટ્રેડ યુનિયન સીટુના મહામંત્રી છે તેમના ઉપર સચિવાલય પ્રવેશ સામે પ્રવેશબંધી ફરમાવેલી છે. જેથી તેમને પ્રવેશ કરવા અંગે પાસ આપવામાં આવેલ નહીં. આમ છતાં તેમના વગર પ્રતિનિધિ મંડળ શ્રમમંત્રીશ્રીને મળી રજૂઆત કરવામાં આવી હતી.

સીટુના આગેવાન અરૂણ મહેતાને પ્રવેશબંધી અંગે તપાસ કરતા માહિતી મળી કે અરૂણ મહેતાએ સને ૨૦૧૮માં આશાવર્કર અને આંગણવાડી બહેનોનો પગાર વધારવા અંગે ગુજરાત સરકારે નિર્ણય નહીં કરતા સચિવાલય ગાંધીનગરને ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી પરંતુ ઘેરાવનો કાર્યક્રમ કર્યો ન હતો.

લોકશાહીમાં આંદોલન ધરણા કે ઘેરાવની જાહેરાત કરવી એ દેશના તમામ વ્‍યકિતઓનો બંધારણીય મૌલિક અધિકાર છે જેથી તે ગુન્‍હો કે અપરાધ બનતો નથી. અરૂણ મહેતા જાહેર જીવનમાં સક્રિય કામગીરી બજાવતી વ્‍યકિત છે અને ગુજરાતના સચિવાલયમાં મુખ્‍યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સમક્ષ લોકપ્રશ્નોની રજૂઆત કરતા આવેલા છે.

(1:08 pm IST)