Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ડો.એસ.ડી.પટેલે ૧૦ કરોડથી વધુ રકમનું ચૂકવણું કરી નાખ્‍યું

સરકારની મંજુરીની ઐસીતૈસીઃ પશુપાલન વિભાગના મદદનીશ નિયામકે ૧રપ અરજીમાં ચૂકવણું કરી નાખતા એસીબીએ સીધા જવાબદાર ગણી ગુન્‍હો દાખલ કરતા ખળભળાટ : કોઇ જાતની નાણાકીય સતા ન હોવા પેમેન્‍ટ કર્યુઃ સંબંધક વિભાગ ચોંકી ઉઠયું: એસીબી વડા કેશવકુમારના આદેશથી ગાંધીનગર એસીબી દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૧૨: નાણાકીય વ્‍યવહારની સતા ન હોવા છતા રાજય સરકારની કોઇ પણ જાતની પુર્વ મંજુરી વગર સતાનો દુરપયોગ કરી ગૌચર સુધારણા યોજના અંતર્ગત માળખાકીય સુવિધા તેમજ ગૌશાળા પાંજરાપોળને અદ્યતન કરવાની યોજનાને નામે કુલ ૩ અલગ-અલગ યોજનામાં ૧૦ કરોડ ૧પ લાખ અને ૯૦ હજાર રૂપીયાના અધધ ચૂકવણું કરવાના આરોપસર રાજયના ઇન્‍ચાર્જ નાયબ પશુપાલન નિયામક એવા મદદનીશ પશુપાલન નિયામક ડો.એસ.ડી.પટેલ સામે સતાના દુરપયોગની એસીબી દ્વારા ફરીયાદ દાખલ થતા ખળભળાટ મચી ગયો છે.

રાજયના ખેડુત કલ્‍યાણ અને સહકાર વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા થયેલી રજુઆત સંદર્ભે રાજયના એસીબી વડા કેશવકુમારના આદેશથી સતાનો દુરપયોગ કરી નિયમો વિરૂધ્‍ધ જઇ ટુંકા ગાળામાં કરોડોનું ચૂકવણું કરી દીધા અંગેનો ગુન્‍હો દાખલ કરવા સાથે સરકારી તીજોરીને નુકશાન પહોંચાડવા બદલ પશુપાલન વિભાગના કલાસ-રના મદદનીશ નિયામક (હાલ ફરજ મોકુફ)ને સીધા જવાબદાર ગણવામાં આવ્‍યા છે.

એસીબી વડા કેશવકુમારના આદેશથી એસીબીના ગાંધીનગર એકમના મદદનીશ નિયામક એ.કે.પરમારના સીધા સુપરવીઝન હેઠળ સમગ્ર તપાસ ગાંધીનગર એસીબીના પીઆઇ એન.એન.જાદવ ચલાવી રહયા છે. આ કેસ તથા અન્‍ય સરકારી યોજનામાં ભ્રષ્‍ટાચાર થયાનું જણાતું હોય કે અન્‍ય કોઇ સરકારી અધિકારી, કર્મચારીની અપ્રમાણસર મિલ્‍કતોની માહિતી હોય તો તેવા ઇસમોની વિસ્‍તૃત માહિતી એસીબી કચેરીના ફોન નંબર ૦૭૯ રર૮૬૯રર૮ તથા વોટસએપ નંબર ૯૦૯૯૯૧૧૦પપ અથવા ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અથવા કચેરીના સમય દરમ્‍યાન રૂબરૂ સંપર્ક કરી સીડી અથવા પેન ડ્રાઇવમાં માહિતી મોકલવા એસીબી દ્વારા અપીલ થઇ છે.

(12:44 pm IST)