News of Tuesday, 12th November 2019
રાજકોટ, તા., ૧૨: સુરત ક્રાઇમ બ્રાન્ચના એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઇમ એન્ડ ટ્રાફીક) એચ.આર.મુલીયાણા તથા ડીસીપી રાહુલ પટેલના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર.આર.સરવૈયા ટીમ દ્વારા બેંકના એટીએમ સાથે ચેડા કરી લાખો રૂપીયાની ઠગાઇ કરતી ગેંગના સભ્યોની પુછપરછમાં કેટલીક રસપ્રદ અને ચોંકાવનારી બાબતો બહાર આવી છે.
ઉકત બાબતે મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) આર.આર.સરવૈયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે હરીયાણાની મેવાતી ગેંગના આ ગેંગસ્ટરોનો બોસ પ્લેન મારફત દિલ્હીથી સુરત આવતો અને બાકીના સભ્યો ટ્રેનમાં આવતા.
સુરતમાં આવ્યા બાદ આ ગેંગ થ્રી સ્ટાર હોટલમાં રોકાતી હતી. તેઓએ વિશેષમાં જણાવેલ કે બેંક ઓફ બરોડાની ભાગાતળાવ શાખામાં ૩૦ થી વધુ વખત ટ્રાન્ઝેકશન કરી લાખો રૂપીયાની રકમ ઉપાડી લીધેલ છે.
આ ગેંગની મોડસ ઓપરેન્ડી બાબતે રસપ્રદ વિગતો વર્ણવતા એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા અને ડીસીપી રાહુલ પટેલે જણાવેલ કે નાણા જયારે એટીએમમાંથી ઉપડતા હોય ત્યારે આ ગેંગ એટીએમનો ઇલેકટ્રીક પાવર સપ્લાય બંધ કરી દેતી એટલે ટ્રાન્ઝેકશનની વિગતો નીલ દેખાડાતી. ત્યાર બાદ આ ગેંગના સભ્યો કે જેઓએ ભાડાથી એટીએમ કાર્ડ મેળવ્યા હોય તે કાર્ડના આધારે બેંકમાં જઇ પેમેન્ટ ન થયાનું જણાવી રકમો મેળવી લેતા. આરોપીઓ પાસેથી રપ જેટલા જુદા-જુદા નામના એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. આ ઉપરાંત ૬ મોબાઇલ અને રોકડા દોઢ લાખનો મુદામાલ મળી આવ્યો હતો. આરોપીઓ જયાં સિકયુરીટી ગાર્ડ ન હોય ત્યાં જ વધુ નિશાન બનાવતા. કસ્ટમર કેરમાં પણ વ્યવસ્થિત ફરીયાદો કરવામાં આવતી. દરમિયાન બેંકના કેટલાક ગ્રાહકો દ્વારા એટીએમ વારંવાર બંધ થઇ જવાની ફરીયાદ આધારે તપાસ કરવામાં આવતા જ આ ભોપાળુ અને છેતરપીંડી બહાર આવતા બેંક સતાધીશો ચોંકી ઉઠયા હતા અને પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટનો સંપર્ક સાધતા તેઓએ બનાવની ગંભીરતા પારખી સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરતા જ ટેકનીકલ સર્વેલન્સ અને સીસીટીવી કેમેરા આધારે સમગ્ર ગેંગને ઝડપી લેવામાં આવી હતી. જે આરોપી પકડાયા છે તેમાં નિયામતદીન સલીમખાન, મોસીમખાન આલમખાન, રેહાન ઉર્ફે રીનની અલ્લાઉદીન મેવ તથા રહેમાન ઉર્ફે ચુનાના રંગરેજનો સમાવેશ છે. તમામ આરોપીઓની રીમાન્ડ ચાલુ છે. દેશ વ્યાપી આ ગેંગે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અન્ય કઇ-કઇ બેંકમાં છેતરપીંડી કરી છે તે માહીતી મેળવવા સાથે રાજયભરની પોલીસને એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણાની સુચનાથી વાકેફ કરવામાં આવેલ છે.