Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

વડોદરામાં સ્પોર્ટસ્ ઓથોરીટી ઓફ ગુજરાત હોકી ટીમના ખેલાડીએ મિત્રના ઘરમાં ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

પૂર્વ કેપ્ટન ધનરાજ પિલ્લાઇની નિગરાણીમાં તાલીમ લીધી હતી : હાથની નસ કાપી લીધા બાદ ફાંસો ખાઇના આપઘાત કર્યો

વડોદરા : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની હોકી ટીમમાંથી રમતા રાષ્ટ્રિય કક્ષાના ખેલાડીએ વડોદરામાં મિત્રના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. હાથની નસ કાપી લીધા બાદ ફાંસો ખાઇના આપઘાત કરનાર હોકી પ્લેટર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ધનરાજ પિલ્લાઇની નિગરાણીમાં તાલીમ લઇ રહ્યો હતો. શરીરના દુખાવાના કારણે જીવનનો અંત આણ્યો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યુ હતુ. 

    પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરામાં માણેજા વિસ્તારમાં પવિત્ર ટાઉનશીપનો મૂળ રહેવાસા વિવેક સુહાષભાઇ પાંડે હાલમાં માંજલપુર વિસ્તારમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં રહેતો હતો. માંજલપુર વિસ્તારમાં જ જ્યુપીટર ચાર રસ્તા પાસે પંડિત દીન દયાલ આવાસમાં એક મકાનમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. હાથની નસો કાપેલી હાલતમાં હતી, ત્યાર બાદ તેણે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ મકાન વિવેકના મિત્રનું હતુ. 
   આ મામલે વિવેકના પિતા સુહાષભાઇ પાંડેએ જણાવ્યુ હતુ કે, મારો દિકરો છેલ્લા દસ વર્ષથી હોકી રમે છે. લગબગ ૧૨ થી ૧૫ જેટલી રાષ્ટ્રિય કક્ષાએ મેચ રમી ચૂક્યો છે. રાજ્યકક્ષાએ પણ અનેક મેચ રમ્યો છે. છેલ્લા ચાર વર્ષથી ખેલ મહાકુંભમાં તેનો દેખાવો ઉત્કૃષ્ટ રહ્યો છે. હાલમાં તે ગુજરાતની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની ટીમમાં રમે છે. જેના કોચ તરીકે ધનરાજ પિલ્લાઇ છે. છેલ્લા કેટલાક સમયથી તેના શરીરમાં દુખાવો ખુબ થતો હોવાની ફરીયાદ હતી. જેના કારણે તે ત્રાસી ગયેલો હતો.  આ પગલું કમરના દુખાવાથી ત્રાસીને ભર્યું હોય તેમ લાગે છે. બાકી બીજુ કોઇ કારણ નથી. ગત શનિવારે રાત્રે દસ કલાકે તેની સાથે ફોન ઉપર વાત થઇ હતી. તેની મમ્મી કલાવતીબહેન સાથે પણ વાત થઇ હતી, ત્યારે તેણે તેની મમ્મીને પણ શરીરના દુખાવાની ફરિયાદ કરી હતી. 

   એબીબીમાં નોકરી કરતાં સુભાષભાઇએ વધુમાં જણાવ્યુ હતુ કે, વિવેક હોકી રમવા સાથે એમ.એસ. યુનિવર્સિટીમાં એસ.વાય. બી.એ.માં અભ્યાસ કરતો હતો. આ ઉપરાંત  એમ.એસ. યુનિવર્સિટીની ટીમમાંથી રમતો હતો. તાજેતરમાં તે એમ.એસ. યુનિવર્સિટીમાંથી રમ્યો હતો. હોકી ટીમનો મીડ ખેલાડી હતો. આ ઉપરાંત તાજેતરમાં તે ગ્વાલીયર ખાતે પણ રમીને આવ્યો હતો. તે રાષ્ટ્રીય કક્ષાનો ખેલાડી હતો. હાલ તે ખેલ મહાકુંભ માટેની તૈયારી કરતો હતો. આથી તે ઘરે પણ આવતો ન હતો. માંજલપુર સ્પોટ્સ કોમ્પ્લેક્ષમાંજ રહેતો હતો. તે નિયમીત હોકીની પ્રેકટીસ કરતો હતો. 

  હોકીના ખેલાડીઓમાં ભારે ચકચાર જગાવી મુકનાર આ બનાવમાં વિવેક પાંડે તેના કયા મિત્રના ઘરે ક્યારે ગયો હતો. તેને ચોક્કસ કયા કારણોસર આપઘાત કરી લીધો તે અંગે મકરપુરા પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોલીસે આપઘાતનો ગુનો નોંધી લાશને પોષ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે. પોલીસ તપાસ બાદ અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

(12:06 am IST)