Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

પર પ્રાંતિય મહિલા જીભ પર તલવાર ફેરવતી જોવા મળી

પાવાગઢના મંદિરમાં મહિલાને માતાજી આવ્યા : હાથમાં તલવાર લઈ મહિલા ધુણી રહી હતી અને વારંવાર જીભ પર તલવાર ફેરવી રહી હતી, શ્રદ્ધાળુઓ ઉમટ્યા

પંચમહાલ,  તા.૧૨ : હાલ નવરાત્રિમાં ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને લોકો ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. એવામાં આસો નવરાત્રિમાં પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો માં મહાકાળીના દર્શને આવી પહોંચે છે. ત્યારે પાવાગઢ ખાતે નવરાત્રિમાં અદ્ભૂત દ્રષ્યો જોવા મળ્યા હતા. તો બીજી તરફ લોકોને વિચલિત કરતા શ્રદ્ધાના દ્રષ્યો પણ જોવા મળ્યા હતા. શક્તિની આરાધના અને ઉપાસનાનો શ્રેષ્ઠ પર્વ એટલે આસો નવરાત્રિ. નવરાત્રિમાં ભક્તો શક્તિના ૯ સ્વરૂપોની પૂજા અર્ચના કરે છે, તો બીજી તરફ ઠેર ઠેર ગરબીનું આયોજન કરી લોકો ગરબાના તાલે ઝૂમતા હોય છે. ત્યારે કોરોનાને કારણે નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી.

માત્ર ભક્તો માં મહાકાળીના દર્શન કરી શકે તે માટે મંદિર પરિસર ખુલ્લુ રાખવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ત્યારે પાવાગઢ ખાતે આસો નવરાત્રિમાં અદ્ભૂત દ્રષ્યો જોવા મળ્યા છે. ગુજરાતીઓ જ નહીં પરંતુ પર પ્રાંતિય શ્રદ્ધાળુઓની શ્રદ્ધાના જીવંત દ્રષ્યો જોવા મળ્યા હતા. તો બીજી તરફ લોકોને વિચલિત કરતા શ્રદ્ધાના દ્રષ્યો પણ જોવા મળ્યા હતા. પાવાગઢ મંદિર ખાતે પર પ્રાંતિય એક મહિલા જીભ પર તલવાર ફેરવતી જોવા મળી હતી. હાથમાં તલવાર લઈ મહિલા ધુણી રહી હતી અને વારંવાર જીભ પર તલવાર ફેરવી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે ક, મધ્ય પ્રદેશના ધાર જિલ્લાની એક મહિલા તેના પરિવાર અને ગામના લોકો સાથે માં મહાકાળીના દર્શનાર્થે આવી હતી.

જ્યાં મંદિર પરિસરમાં મહિલાને માતાજી આવતા તે ધુણવા લાગી હતી. ત્યારબાદ મહિલાએ તેના હાથમાં તલવાર લીધી અને વારંવાર તે તલવાર મહિલા તેની જીભ પર ફેરવી રહી હતી. જો કે, લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, મહાકાળી માતાજીની હાજરી બાદ મહિલા આ પ્રકારે પરચા પૂરતી કરે છે. ત્યારે મહિલા જે રીતે અટ્ટહાસ્ય કરે છે તે જોતા શ્રદ્ધાળુઓને મહાકાળીના દર્શન થયા છે. આ ઉપરાંત દુખિયાના દુઃખ દૂર કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

(9:05 pm IST)