Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ભાજપના એક કરોડ સભ્યો પૈકી કેટલાને સરકારી નોકરી અપાવી ?:મોઢવાડિયાએ સી.આર.પાટીલને કર્યો સવાલ

પેજ પ્રમુખોને નોકરી આપવાના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવેદનને ગુજરાતના અત્યાર સુધીના રાજકીય ઈતિહાસનું સૌથી મોટુ જુઠાણું ગણાવતા અર્જુનભાઈ મોઢવાડીયા

અમદાવાદ : પેજ પ્રમુખોને નોકરી આપવાના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવેદનને ગુજરાતના અત્યાર સુધીના રાજકીય ઈતિહાસનું સૌથી મોટુ જુઠાણું ગણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપનો પોતાનો જ દાવો છે કે અમે રાજ્યના તમામ 45,000 બુથ માટે બુથ કમિટી બનાવી છે. એ ઉપરાંત દરેક બુથમાં 30 પેજ પ્રમુખો પણ બનાવ્યા છે. દરેક બુથની પણ પેજ કમિટી બનાવી છે. આ રીતે ગણતરી કરીએ તો કુલ સંખ્યા 14 લાખથી પણ વધુ થઈ જાય છે. ઉપરાંત ભાજપના જ દાવા પ્રમાણે ગુજરાતમાં તેમના સભ્યોની સંખ્યા 1 કરોડ છે.


કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે મારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પુછવાનું છે કે તમે ભાજપના એક કરોડ સભ્યો પૈકી કેટલાને સરકારી નોકરી અપાવી? સરકારી નોકરી અપાવી હોય તો કઈ ભરતી અંતર્ગત કઈ પરીક્ષામાં પાસ કરાવીને અપાવી? મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર કંઈ ભાજપ કે સી.આર.પાટીલની પેઢી નથી. આ ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરતી ચુંટાયેલ સરકાર છે. ભારતીય બંધારણથી બંધાયેલ સરકાર છે. એ માત્ર કોઈને પણ માત્ર ભાજપના સભ્ય હોવાની લાયકાતના આધારે નોકરી આપીને ગુજરાતના લાયકાત ધરાવતા યુવાનોને અન્યાય ના કરી શકે!

(8:47 pm IST)